News of Wednesday, 4th March 2026
વૈશ્વિક યુદ્ધની જ્વાળાઓમાં ભારતીય શેરબજાર ‘નાજુક’: ક્રૂડ ઓઇલ અને સપ્લાય ચેઇન પર તોળાતું જોખમ, કોટક સિક્યોરિટીઝે રોકાણકારોને આપી સાવચેતીની ચેતવણી
ભારતની ૮૦% તેલ નિર્ભરતા બની શકે છે નબળાઈ; મોંઘા નૂર ભાડા અને વીમા દરમાં વધારાથી GDP વૃદ્ધિ પર બ્રેક લાગવાની ભીતિ, અનિશ્ચિતતા વચ્ચે ‘ક્વોલિટી સ્ટોક્સ’ પસંદ કરવા નિષ્ણાતોની સલાહ

મુંબઈ : ભૂરાજકીય તણાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય શેરબજાર અત્યારે અત્યંત ‘નાજુક’ વળાંક પર ઊભું છે. કોટક સિક્યોરિટીઝના નિષ્ણાતોના મતે, મધ્ય પૂર્વમાં વધતા જતા સંઘર્ષને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો અને સપ્લાય ચેઇનમાં અવરોધ ઊભો થવાનું જોખમ વધી ગયું છે. કોટક સિક્યોરિટીઝના વીપી (ફંડામેન્ટલ રિસર્ચ) સુમિત પોખર્ણાએ ચેતવણી આપી છે કે આ પરિસ્થિતિ આગામી કેટલાક અઠવાડિયા સુધી યથાવત રહી શકે છે, જે ભારતીય બજારો માટે ચિંતાનો વિષય છે.
તેલની આયાત અને જીડીપી પર અસર
ભારત તેની જરૂરિયાતનું ૮૦% થી વધુ ક્રૂડ ઓઇલ વિદેશથી આયાત કરે છે. પોખર્ણાએ જણાવ્યું હતું કે, “આ ઉચ્ચ નિર્ભરતા ભારતને અન્ય દેશોની તુલનામાં વધુ સંવેદનશીલ બનાવે છે. જો તેલના પુરવઠામાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ પડશે, તો તેની સીધી અસર ભારતની GDP વૃદ્ધિ પર પડશે.” બજાર હંમેશા અનિશ્ચિતતાથી ડરે છે, અને અત્યારે તેલના ભાવ, વધેલા નૂર ખર્ચ અને વીમા પ્રીમિયમમાં વધારો થવાથી બજારમાં મોટો સુધારો (કડાકો) જોવા મળી રહ્યો છે.
રોકાણકારો માટે ‘મંત્ર’: ઉતાવળ ન કરો
નિષ્ણાતોના મતે, અત્યારે શેર ખરીદવામાં ખૂબ જ પસંદગીયુક્ત (Selective) રહેવું જોઈએ. જ્યારે બજારમાં વધુ પડતી પ્રતિક્રિયા (Over-reaction) જોવા મળે, ત્યારે મજબૂત કમાણી ધરાવતા ‘ક્વોલિટી સ્ટોક્સ’માં રોકાણ કરવાની તક શોધવી જોઈએ. જ્યાં સુધી ભૂરાજકીય તણાવ ઓછો ન થાય ત્યાં સુધી બજારમાં અસ્થિરતા જળવાઈ રહેશે.
સરકારનો ‘બફર પ્લાન’ અને તૈયારીઓ
જોકે, એક તરફ બજારમાં ચિંતા છે ત્યારે બીજી તરફ કેન્દ્ર સરકાર દેશવાસીઓને આશ્વાસન આપી રહી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ખાતરી આપી છે કે ભારત પાસે પેટ્રોલ, ડીઝલ અને એટીએફ (ATF) નો પૂરતો સ્ટોક છે. ભારતે હવે તેના ઉર્જા સ્ત્રોતોમાં વૈવિધ્યીકરણ કર્યું છે, જેના કારણે આપણો ઘણો પુરવઠો હવે ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (Hormuz Strait) પર નિર્ભર નથી. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો આયાતકાર અને ચોથો સૌથી મોટો રિફાઇનર હોવાથી, કોઈપણ ટૂંકા ગાળાના વિક્ષેપને પહોંચી વળવા સજ્જ છે.
(9:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
