<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

હિંદ મહાસાગરમાં અમેરિકાનો પ્રચંડ પ્રહાર: ઈરાની યુદ્ધ જહાજ ‘IRIS દેના’ ને ટોર્પિડો મારી દરિયાના તળિયે મોકલી દીધું, ૧૯૪૫ પછીની આ પ્રથમ ઘટના

અમેરિકી સબમરીનનો ‘શાંત શિકાર’: સિંગલ માર્ક-48 ટોર્પિડોથી દુશ્મન જહાજના ફુરચા ઉડ્યા; ‘ઓપરેશન એપિક ફ્યુરી’ હેઠળ ઈરાન પર બોમ્બમારો તેજ, આકાશ પર હવે યુએસ-ઈઝરાયેલનું સંપૂર્ણ વર્ચસ્વ

કોલંબો : પશ્ચિમ એશિયાના જંગમાં અત્યારે એક અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે. અમેરિકી યુદ્ધ સચિવ પીટ હેગસેથે સત્તાવાર પુષ્ટિ કરી છે કે યુએસ નેવીની ફાસ્ટ એટેક સબમરીને હિંદ મહાસાગરના આંતરરાષ્ટ્રીય જળસીમામાં ઈરાની યુદ્ધ જહાજ 'IRIS દેના' ને ટોર્પિડો ફટકારીને ડૂબાડી દીધું છે. સૈન્ય ઈતિહાસમાં આ ઘટના એટલા માટે મહત્વની છે કારણ કે બીજા વિશ્વયુદ્ધ (૧૯૪૫) પછી આ પ્રથમ વખત છે જ્યારે અમેરિકાએ ટોર્પિડોનો ઉપયોગ કરીને કોઈ દુશ્મન જહાજને જળસમાધિ આપી હોય.
‘ઓપરેશન એપિક ફ્યુરી’: આકાશમાં અમેરિકી દબદબો
વોશિંગ્ટનમાં મીડિયાને સંબોધતા હેગસેથે જણાવ્યું કે, "અમે તો હજુ શરૂઆત કરી છે. ઈરાનની સૈન્ય ક્ષમતાઓ દર કલાકે લુપ્ત થઈ રહી છે." તેમણે જાહેરાત કરી કે હવે અમેરિકી વાયુસેના ૫૦૦ થી ૨,૦૦૦ પાઉન્ડના લેસર ગાઈડેડ બોમ્બનો ઉપયોગ કરશે. જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના અધ્યક્ષ જનરલ ડેન કેને આ હુમલાને અમેરિકાની 'ગ્લોબલ રીચ' (વૈશ્વિક પહોંચ)નું અદ્ભુત ઉદાહરણ ગણાવ્યું છે. દાવા મુજબ, ઈરાનની મિસાઈલ હુમલાની ક્ષમતામાં ૮૬% અને ડ્રોન હુમલામાં ૭૩% નો ઘટાડો થયો છે.
શ્રીલંકાના દરિયાકાંઠે બચાવ કામગીરી
બીજી તરફ, આ વિનાશક હુમલા બાદ શ્રીલંકાના નૌકાદળે માનવતાવાદી અભિગમ દાખવ્યો છે. શ્રીલંકાના વિદેશ મંત્રી વિજિથા હેરાથે પુષ્ટિ કરી છે કે તેમણે 'IRIS દેના' માંથી ૩૦ ખલાસીઓને જીવતા બચાવી લીધા છે. અહેવાલો મુજબ, આ જહાજ પર કુલ ૧૮૦ ખલાસીઓ સવાર હતા. ગેલ (Galle) ના દરિયાકાંઠેથી આશરે ૪૦ કિમી દૂર મળેલી તકલીફની ચેતવણી બાદ શ્રીલંકાએ હેલિકોપ્ટર અને જહાજો મોકલીને બચેલા ખલાસીઓને કરાપીટિયા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે.
યુદ્ધ હવે પાંચમા દિવસે: ઈરાન બેકફૂટ પર?
અમેરિકાએ જાહેર કરેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે એક સિંગલ ટોર્પિડો હુમલાએ વિશાળકાય યુદ્ધ જહાજને સમુદ્રના તળિયે મોકલી દીધું. અમેરિકી સત્તાવાળાઓનો દાવો છે કે ઈરાનના નેતાઓ હવે આકાશમાં માત્ર યુએસ અને ઈઝરાયેલના ફાઈટર જેટ્સ જ જોઈ શકશે. આ ઘટના બાદ પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે અને હિંદ મહાસાગરમાં પણ સૈન્ય હિલચાલ તેજ થઈ ગઈ છે.

(9:12 PM IST)