News of Wednesday, 4th March 2026
દુબઈના 'સેફ હેવન' મોડલ પર ઈરાની મિસાઈલોનો પડછાયો: શું રણનું મોતી પોતાની ચમક ગુમાવશે?
દાયકાઓથી સુરક્ષિત ગણાતા ગલ્ફના બિઝનેસ હબ પર આક્રમણથી રોકાણકારોમાં ફફડાટ; એરપોર્ટ અને બંદરો ઠપ્પ થતા અબજો ડોલરના સામ્રાજ્ય સામે અસ્તિત્વનું સંકટ

દુબઈ: રેતીના ઢગલામાંથી વિશ્વનું સૌથી આધુનિક નાણાકીય કેન્દ્ર બનેલું દુબઈ આજે એક અજાણ્યા ભયના ઓથાર હેઠળ છે. ઈરાનના તાજેતરના વળતા હુમલાઓએ માત્ર ઈમારતોને જ નુકસાન નથી પહોંચાડ્યું, પરંતુ દુબઈએ 40 વર્ષોમાં જે 'અભેદ્ય સુરક્ષા'ની છબી ઊભી કરી હતી તેને ધૂળધાણી કરી નાખી છે. જ્યારે આસમાની મિસાઈલો દુબઈના આકાશમાં દેખાઈ, ત્યારે બુર્જ ખલીફાની રોશની પાછળ છુપાયેલી ભૌગોલિક નબળાઈઓ ખુલ્લી પડી ગઈ. પર્યટન, રિયલ એસ્ટેટ અને મુક્ત વ્યાપાર પર ટકેલું આ શહેર જો લાંબા સમય સુધી યુદ્ધની જ્વાળાઓમાં ઘેરાયેલું રહેશે, તો જે આંતરરાષ્ટ્રીય મૂડી અત્યારે અહીં વરસી રહી છે, તે પલકવારમાં અન્ય સુરક્ષિત દેશો તરફ વળી શકે છે.
દુબઈની અર્થવ્યવસ્થામાં તેલનો હિસ્સો માત્ર 2 ટકા છે, જેનો અર્થ છે કે તેનું આખું અસ્તિત્વ 'બ્રાન્ડ દુબઈ' પર ટકેલું છે. સોમવાર અને મંગળવારે શેરબજાર બંધ રહેવા અને એમેઝોન જેવી ક્લાઉડ સેવાઓ ખોરવાતા બેંકિંગ સેક્ટરને જે ઝટકો લાગ્યો છે, તે રોકાણકારો માટે લાલબત્તી સમાન છે. જેમ એક સમયે બૈરૂત મધ્ય પૂર્વની નાણાકીય રાજધાની હતું અને ગૃહયુદ્ધે તેને બરબાદ કરી દીધું, તેમ દુબઈ સામે પણ ઈતિહાસનું પુનરાવર્તન થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. જો હોર્મુઝની સામુદ્રધુનીમાં તણાવ વધશે, તો વિશ્વના દરિયાઈ વેપારનો પાંચમો ભાગ જોખમમાં મુકાશે, જેની સીધી અસર દુબઈના બંદરો અને લોજિસ્ટિક્સ સેક્ટર પર પડશે.
ભવિષ્યનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું અહીં સ્થાયી થયેલા હજારો કરોડપતિઓ અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ પોતાનો વિશ્વાસ જાળવી રાખશે? સીરિયન સંઘર્ષ કે રશિયા-યુક્રેન યુદ્ધ વખતે દુબઈ સુરક્ષિત આશ્રયસ્થાન હતું, પણ આ વખતે તે પોતે જ યુદ્ધનું મેદાન બની રહ્યું હોય તેમ લાગે છે. યુએઈ સરકારે ભલે પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કર્યો હોય, પરંતુ શેરબજારની મંદી અને ફ્લાઈટ્સના રદ થવાથી પેદા થયેલી અનિશ્ચિતતાએ સાબિત કર્યું છે કે ભૌગોલિક રાજનીતિના પવન ગમે ત્યારે દુબઈના આર્થિક મીનારાઓને હચમચાવી શકે છે. હવે જોવાનું એ રહેશે કે 'બ્રાન્ડ દુબઈ' આ કટોકટીમાંથી કેવી રીતે બહાર આવે છે.
(9:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
