News of Wednesday, 4th March 2026
પત્રકારત્વ જગતનો સૂર્ય અસ્ત: દિગ્ગજ પત્રકાર અને પૂર્વ રાજ્યસભા સાંસદ એચ.કે. દુઆનું ૮૬ વર્ષની વયે નિધન
બે વડાપ્રધાનોના મીડિયા સલાહકાર અને પદ્મ ભૂષણથી સન્માનિત શ્રી દુઆએ દિલ્હીની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા; હિન્દુસ્તાન ટાઇમ્સ, ઈન્ડિયન એક્સપ્રેસ અને ટ્રિબ્યુન જેવા અખબારોમાં મુખ્ય સંપાદક તરીકે આપી હતી સેવા

નવી દિલ્હી : ભારતીય પત્રકારત્વ જગતના ભીષ્મ પિતામહ સમાન અને પૂર્વ રાજ્યસભા સાંસદ એચ.કે. દુઆનું બુધવારે ૮૬ વર્ષની વયે અવસાન થયું છે. દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા ત્રણ અઠવાડિયાથી નાદુરસ્ત તબિયતને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધનના સમાચાર વહેતા થતા જ રાજકીય નેતાઓ, પત્રકારો અને વિવિધ ક્ષેત્રની હસ્તીઓ દ્વારા શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. તેમના અંતિમ સંસ્કાર ગુરુવારે લોધી રોડ સ્મશાનગૃહ ખાતે કરવામાં આવશે.
બે વડાપ્રધાનોના મીડિયા સલાહકાર તરીકેની ભૂમિકા
૧ જુલાઈ ૧૯૩૭ના રોજ જન્મેલા એચ.કે. દુઆની રાજકીય સમજ અત્યંત તીક્ષ્ણ હતી. તેઓ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને એચ.ડી. દેવગૌડાના મીડિયા સલાહકાર તરીકે સેવા આપી ચૂક્યા હતા. પત્રકારત્વની સાથે સાથે દેશની નીતિ નિર્ધારણ પ્રક્રિયામાં પણ તેમનું મહત્વનું યોગદાન રહ્યું હતું.
અગ્રણી અખબારોના સંપાદક અને પદવીઓ
એચ.કે. દુઆએ દેશના અનેક પ્રતિષ્ઠિત સમાચાર પત્રોમાં નેતૃત્વ કર્યું હતું. તેમણે 'ધ હિન્દુસ્તાન ટાઇમ્સ' (૧૯૮૭-૯૪), 'ધ ઈન્ડિયન એક્સપ્રેસ' (૧૯૯૪-૯૬) અને 'ધ ટ્રિબ્યુન' (૨૦૦૩-૦૯) માં મુખ્ય સંપાદક તરીકે કાર્ય કર્યું હતું. આ ઉપરાંત, તેઓ 'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા' (૧૯૯૭-૯૮) માં સંપાદકીય સલાહકાર તરીકે પણ રહ્યા હતા. તેઓ અનેક ટેલિવિઝન ચેનલો પર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર સચોટ વિશ્લેષણ માટે જાણીતા હતા.
રાજકીય સફર અને રાષ્ટ્રીય સન્માન
વર્ષ ૨૦૦૯ થી ૨૦૧૫ દરમિયાન રાષ્ટ્રપતિ દ્વારા તેમની રાજ્યસભાના નામાંકિત સભ્ય તરીકે પસંદગી કરવામાં આવી હતી. સંસદમાં તેમણે વિદેશી બાબતો અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ચર્ચાઓમાં સક્રિય ભાગ લીધો હતો. તેઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના સભ્ય તેમજ વિદેશી બાબતોની સ્થાયી સમિતિ અને ગૃહ મંત્રાલયની સલાહકાર સમિતિનો ભાગ રહ્યા હતા.
તેમની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ પૂર્વ રાષ્ટ્રપતિ કે.આર. નારાયણન દ્વારા તેમને દેશના પ્રતિષ્ઠિત નાગરિક સન્માન 'પદ્મ ભૂષણ' થી નવાજવામાં આવ્યા હતા. પંજાબ અને કુરુક્ષેત્ર યુનિવર્સિટીએ તેમને માનદ ડી.લીટ.ની પદવી એનાયત કરી હતી. તેઓ પંજાબ યુનિવર્સિટીની સેનેટ અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના દરબારના સભ્ય પણ હતા. તેમના નિધનથી ભારતીય પત્રકારત્વ અને બૌદ્ધિક જગતને ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે.
(10:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
