<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

બિહારના રાજકારણમાં મોટા સમાચાર: મુખ્યમંત્રી નીતિશ કુમાર હવે રાજ્યસભામાં જશે, પુત્ર નિશાંત કુમાર આવતીકાલે વિધિવત જેડીયુમાં જોડાશે

નીતિશ કુમાર ટૂંક સમયમાં મુખ્યમંત્રી પદ છોડશે તેવી શક્યતા પ્રબળ; ૧૯૮૦ પછી પ્રથમવાર બિહારમાં ભાજપના નેતા મુખ્યમંત્રી બને તેવા સંકેત, પટનામાં જેડીયુ કાર્યાલય ખાતે નિશાંત કુમાર ધારણ કરશે પક્ષનો છેડો

પટના:બિહારના રાજકારણમાં લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો હવે અંત આવ્યો છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર સક્રિય રાજ્ય રાજકારણ છોડીને કેન્દ્રીય રાજકારણમાં પ્રવેશવા જઈ રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, નીતિશ કુમાર જેડીયુ ક્વોટામાંથી રાજ્યસભામાં જશે તે નક્કી થઈ ગયું છે. આ સાથે જ બિહારમાં સત્તા પરિવર્તનની પ્રક્રિયા પણ તેજ બની છે, જેમાં નીતિશ કુમાર આગામી થોડા દિવસોમાં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપે તેવી શક્યતા છે.
નિશાંત કુમારની સક્રિય રાજકારણમાં એન્ટ્રી
નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર હવે પિતાનો રાજકીય વારસો સંભાળવા તૈયાર છે. તેઓ આવતીકાલે, ૫ માર્ચના રોજ સવારે ૧૧:૦૦ કલાકે પટના સ્થિત જેડીયુ કાર્યાલયમાં વિધિવત રીતે પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કરશે. જેડીયુના વરિષ્ઠ નેતા અને મંત્રી જમા ખાને પુષ્ટિ કરી છે કે કાર્યકર્તાઓની લાંબા સમયથી માંગ હતી કે નિશાંત કુમાર સક્રિય રાજકારણમાં આવે. રમઝાનનો પવિત્ર મહિનો અને હોળીના તહેવાર વચ્ચે આ મહત્વનો રાજકીય નિર્ણય લેવામાં આવ્યો છે.
ભાજપના મુખ્યમંત્રી બનવાની શક્યતા
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાની ચર્ચાઓ સાથે બિહારમાં નવા મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે પણ રાજકીય ગરમાવો વધ્યો છે. ૧૯૮૦માં ભાજપની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી બિહારમાં સીધી રીતે ભાજપનો કોઈ મુખ્યમંત્રી બન્યો નથી. જોકે નીતિશ કુમાર સાથે ભાજપ લાંબા સમયથી સત્તામાં ભાગીદાર રહ્યું છે, પરંતુ હવે બદલાયેલી સ્થિતિમાં ભાજપના કોઈ વરિષ્ઠ નેતાને મુખ્યમંત્રીનું પદ મળે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
નીતિશ કુમાર લેશે અંતિમ નિર્ણય
રાજ્યના મંત્રી વિજય કુમાર ચૌધરીએ આ અંગે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી નીતિશ કુમારના રાજ્યસભામાં જવા અંગે હાલ વાતચીત ચાલી રહી છે અને આ બાબતે અંતિમ નિર્ણય નીતિશ કુમાર પોતે જ લેશે. નિશાંત કુમાર અંગે તેમણે ઉમેર્યું કે પક્ષના તમામ નેતાઓ ઈચ્છે છે કે તેઓ રાજકારણમાં સક્રિય થાય અને પક્ષની પ્રવૃત્તિઓમાં ભાગ લે.
આગામી ૨૪ કલાક બિહારના રાજકીય ઈતિહાસ માટે અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહ્યા છે, કારણ કે સત્તાના કેન્દ્રમાં મોટું પરિવર્તન આવવા જઈ રહ્યું છે.

(10:12 PM IST)