News of Thursday, 5th March 2026
ઢગલા બંધ સમાચારો ઉડતી નજરે

* ઈરાનની ઇઝરાયલ અને અમેરિકાને ખુલ્લી ધમકી: ઇઝરાયેલની અત્યંત સુરક્ષિત ગણાતી ડીમોના પરમાણુ સાઇટ પર હુમલો કરવાની ધમકી: વૈશ્વિક સ્તરે સમગ્ર અરબ વિસ્તારોમાં યુદ્ધ ભડકવાની ચિંતા વધી : સંરક્ષણ નિષ્ણાતો માની રહ્યા છે કે જો કોઈ પરમાણુ સાઇટ પર હુમલો થશે, તો તેના પરિણામો માત્ર મધ્ય પૂર્વ પૂરતા સીમિત નહીં રહે, પરંતુ આખી દુનિયા માટે વિનાશક સાબિત થશે : મધ્ય પૂર્વમાં સતત વધી રહેલા તણાવ વચ્ચે ઈરાને ઇઝરાયલની અત્યંત સુરક્ષિત ગણાતી 'ડીમોના પરમાણુ સાઇટ' પર હુમલો કરવાની ખુલ્લી ધમકી આપી છે, જેનાથી વૈશ્વિક સ્તરે યુદ્ધ ભડકવાની ચિંતા વધી છે. મધ્ય પૂર્વમાં ઇઝરાયલ અને હમાસ-હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવે ઈરાન પણ આક્રમક રીતે જોડાઈ રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તાજેતરના અહેવાલો અનુસાર, ઈરાને ઇઝરાયલ અને તેના સૌથી મોટા સાથીદાર અમેરિકાને સીધી અને ગંભીર ધમકી આપી છે. ઈરાને ચીમકી ઉચ્ચારી છે કે જો ઇઝરાયલ તેમના દેશ કે હિતો પર કોઈ પણ પ્રકારનો હુમલો કરવાનું દુસ્સાહસ કરશે, તો તે સીધો જ ઇઝરાયલની અત્યંત સુરક્ષિત અને ગુપ્ત એવી 'ડીમોના પરમાણુ સાઇટ' પર હુમલો કરી દેશે. આ નિવેદનને કારણે સમગ્ર અરબ વિસ્તારમાં મોટા યુદ્ધની આશંકા સેવાઈ રહી છે. અમેરિકા પહેલેથી જ ઇઝરાયલના સમર્થનમાં છે અને પોતાના સૈન્ય જહાજો તૈનાત કરી ચૂક્યું છે, ત્યારે ઈરાનની આ ચેતવણી દર્શાવે છે કે તે હવે આરપારની લડાઈ લડવાના મૂડમાં છે. સંરક્ષણ નિષ્ણાતો માની રહ્યા છે કે જો કોઈ પરમાણુ સાઇટ પર હુમલો થશે, તો તેના પરિણામો માત્ર મધ્ય પૂર્વ પૂરતા સીમિત નહીં રહે, પરંતુ આખી દુનિયા માટે વિનાશક સાબિત થશે. *
*ઈરાને ભૌગોલિક હથિયારનો ઉપયોગ કર્યો: એક પણ ગોળી છોડ્યા વિના ઈરાન અમેરિકાને ઝુકાવી શકશે ! : અમેરિકા અને ઈરાન વચ્ચેના લશ્કરી સંઘર્ષની અટકળો વચ્ચે એક ચીની પ્રોફેસરે દાવો કર્યો છે કે ઈરાન પાસે એવું ભૌગોલિક હથિયાર છે જેનાથી તે ગોળી ચલાવ્યા વિના અમેરિકાની કમર તોડી શકે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે સતત વધી રહેલા તણાવ વચ્ચે એક ચીની પ્રોફેસરના સચોટ વિશ્લેષણે દુનિયાભરમાં ભારે ચર્ચા જગાવી છે. આ પ્રોફેસરના મતે, ઈરાનને મહાસત્તા અમેરિકા સામે જીતવા માટે કોઈ મોટા સૈન્ય હુમલા કે સીધા ગોળીબારની બિલકુલ જરૂર નથી. ઈરાનની ભૌગોલિક સ્થિતિ જ તેનું સૌથી મોટું અને ખતરનાક હથિયાર છે. ઈરાને 'હોર્મુઝની સામુદ્રધુની' (સ્ટ્રેટ ઓફ હોર્મુઝ) બંધ કરી દીધી છે તેનાથી વિશ્વનો ક્રૂડ ઓઈલનો મોટાભાગનો સપ્લાય ખોરવાઈ ગયો છે. આનાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ખનીજ તેલના ભાવો આસમાને પહોંચવા લાગ્યા છે અને અમેરિકા સહિત તમામ પશ્ચિમી દેશોની અર્થવ્યવસ્થા થોડા જ દિવસોમાં પડી ભાંગે તો નવાઈ નહીં. ચીની વિશ્લેષકનું માનવું છે કે ઈરાનની આ રણનીતિ અમેરિકાને આર્થિક રીતે ઘૂંટણિયે લાવી શકે છે. આ પ્લાન સ્પષ્ટપણે દર્શાવે છે કે આધુનિક સમયમાં યુદ્ધ માત્ર મિસાઈલોથી જ નહીં, પરંતુ વ્યાપારિક નાકાબંધી અને ઊર્જા સંકટ ઊભું કરીને પણ લડી શકાય છે.
*ઈરાનની મુશ્કેલીમાં મોટો વધારો: ફ્રાન્સે મિડલ ઈસ્ટમાં પરમાણુ યુદ્ધ જહાજ 'ચાર્લ્સ ડી ગૉલ' ઉતાર્યું: હવે જો ઈરાન કોઈ પણ દુસ્સાહસ કરશે, તો તેને અમેરિકાની સાથે સાથે યુરોપિયન દેશોના સંયુક્ત અને સખત વળતા પ્રહારનો સામનો કરવો પડશે : મધ્ય પૂર્વના વણસી રહેલા સંઘર્ષમાં હવે ફ્રાન્સની એન્ટ્રી થઈ છે. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ફ્રાન્સનું સૌથી શક્તિશાળી પરમાણુ યુદ્ધ જહાજ મિડલ ઈસ્ટમાં તૈનાત કરવાનો આકરો સૈન્ય નિર્ણય લીધો છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના ભયાનક લશ્કરી સંઘર્ષમાં હવે યુરોપિયન દેશો પણ ખુલ્લીને ઇઝરાયલના સમર્થનમાં મેદાનમાં આવી રહ્યા છે. ઈરાન સામે ઇઝરાયલ અને અમેરિકા તો પહેલેથી જ મોરચો સંભાળી રહ્યા હતા, ત્યારે હવે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પણ એક અત્યંત મહત્વપૂર્ણ લશ્કરી નિર્ણય લીધો છે. ફ્રાન્સે પોતાનું સૌથી શક્તિશાળી અને દેશના ગૌરવ સમાન પરમાણુ સંચાલિત વિશાળ સૈન્ય જહાજ 'ચાર્લ્સ ડી ગૉલ' મિડલ ઈસ્ટના સમુદ્રમાં ઉતાર્યું છે. અગાઉ આ જહાજ બાલ્ટિક સાગરમાં તૈનાત હતું, પરંતુ મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને ઇઝરાયલની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેને અહીં ખસેડવામાં આવ્યું છે. ફ્રાન્સના આ આક્રમક પગલાથી ઈરાનની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. અરબ સાગરમાં અમેરિકા અને ફ્રાન્સની નૌકાદળની સંયુક્ત હાજરી એ ઈરાન માટે સ્પષ્ટ ચેતવણી સમાન છે. હવે જો ઈરાન કોઈ પણ દુસ્સાહસ કરશે, તો તેને અમેરિકાની સાથે સાથે યુરોપિયન દેશોના સંયુક્ત અને સખત વળતા પ્રહારનો સામનો કરવો પડશે.
* યુએઈ-ઓમાન બોર્ડર પર ટ્રાફિકનો ભારે ધસારો: હજારો લોકો મસ્કત જવા માટે આ માર્ગ પસંદ કરી રહ્યા છે: જેના કારણે બોર્ડર ચેકપોસ્ટ પર દિવસ-રાત વાહનોની લાંબી કતારો અને ટ્રાફિક જામની સ્થિતિ: મુસાફરો માટે મહત્વની એડવાઈઝરી : યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) થી ઓમાન જતી જમીની સરહદ પર હાલ ભારે ભીડ જોવા મળી રહી છે. હજારો લોકો મસ્કત જવા માટે માર્ગ પસંદ કરી રહ્યા છે, જેના કારણે બોર્ડર ચેકપોસ્ટ પર દિવસ-રાત વાહનોની લાંબી કતારો અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. આ ભીડને જોતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પ્રવાહ મુખ્યત્વે રજાઓ અથવા ખાસ પર્યટન સીઝનને કારણે વધ્યો હોવાનું મનાય છે. ઓમાન એર દ્વારા આ અંગે સત્તાવાર સૂચના જારી કરવામાં આવી છે. જે મુસાફરો મસ્કત એરપોર્ટ પરથી ફ્લાઈટ પકડવાના છે અને જમીની માર્ગે સરહદ ઓળંગી રહ્યા છે, તેમને ખાસ વિનંતી કરવામાં આવી છે કે તેઓ પોતાની ફ્લાઈટના નિર્ધારિત સમયના ઓછામાં ઓછા બાર કલાક પહેલા બોર્ડર પર પહોંચી જાય. બોર્ડર ક્લિયરન્સ અને ટ્રાફિકમાં થતા વિલંબને કારણે ફ્લાઈટ ચૂકી ન જવાય તે માટે આ અગમચેતીના પગલાં લેવા જણાવાયું છે.
* ઈન્દોર એરપોર્ટના પરિસરમાં મધરાતે ભીષણ આગ: તંત્રમાં દોડધામ: આગના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા: એરપોર્ટ સુરક્ષા દળો અને સ્થાનિક પોલીસ દ્વારા વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો : મધ્યપ્રદેશના ઈન્દોર એરપોર્ટના પરિસરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળી રહ્યા છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આગ એરપોર્ટના મુખ્ય સંકુલના કોઈ હિસ્સામાં અથવા તેની આસપાસના ખુલ્લા વિસ્તારમાં લાગી હોવાની પ્રાથમિક માહિતી છે. હાલમાં એરપોર્ટ સુરક્ષા દળો અને સ્થાનિક પોલીસ દ્વારા વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ અથવા સૂકા ઘાસમાં લાગેલી આગ હોવાની આશંકા સેવાઈ રહી છે. આ ઘટનાને કારણે એરપોર્ટની કામગીરી કે ફ્લાઈટ્સ પર કોઈ અસર પડી છે કે નહીં તેની વધુ વિગતોની પ્રતીક્ષા કરવામાં આવી રહી છે. સદનસીબે, હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.
*અમેરિકા-ઇઝરાયલનું ઈરાન સામેનું યુદ્ધ વધુ વિનાશક બન્યું: ૫ દિવસમાં ૧૧૪૫ ના મોત, ઈરાન વેરવિખેર: ૧,૦૦,૦૦૦ લોકોએ માત્ર બે દિવસમાં તેહરાન છોડી દીધું : છેલ્લા ૫ દિવસથી ચાલી રહેલું અમેરિકા અને ઇઝરાયલનું ઈરાન સામેનું યુદ્ધ આજે છઠ્ઠા દિવસમાં પ્રવેશ્યું છે. જે અત્યંત ભયાવહ સ્તરે પહોંચી ગયું છે. અમેરિકાના બોમ્બર વિમાનો અને ઇઝરાયેલના ડ્રોન તથા મિસાઈલોના સતત હુમલાથી ઈરાનમાં ભારે તારાજી સર્જાઈ છે. અહેવાલો મુજબ, નાગરિકો અને સૈનિકો સહિત કુલ ૧૧૪૫ લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે. હુમલા એટલા તીવ્ર છે કે લગભગ ૧,૦૦,૦૦૦ જેટલા લોકોએ માત્ર બે દિવસમાં તેહરાન છોડી દીધું છે. આ યુદ્ધમાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેનેઈ અને તેમના પત્ની સહિત દેશના સંરક્ષણ મંત્રી અને અનેક ટોચના અધિકારીઓના પણ જીવ ગયા છે. સતત બોમ્બમારાને કારણે ઈરાન વેરવિખેર સ્થિતિમાં મુકાઈ ગયું છે અને વૈશ્વિક બજારોમાં પણ તેની ગંભીર અસર પડી રહી છે.
*ગુજરાત માટે ગોઝારો સાબિત થયો ધૂળેટીનો તહેવાર: સાબરમતીમાં ૪ સહિત રાજ્યમાં ૨૦ થી વધુના ડૂબી જવાથી મોત: ગુજરાતમાં રંગોના તહેવાર ધૂળેટીના પર્વ પર ભારે માતમ છવાયો છે. એક જ દિવસમાં અલગ-અલગ સ્થળોએ ડૂબી જવાથી ૨૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. અમદાવાદમાં કુબેરનગર પાસે સાબરમતી નદીમાં નહાવા પડેલા ૪ યુવકોના કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે હાંસલપુર નજીક સીતાપુર ગામના તળાવમાં ૩ બાળકો ડૂબી ગયા હતા. આ ઉપરાંત સુરતના માંગરોળમાં કીમ નદીમાં ૩ યુવાનો, મહિસાગરમાં ૪ અને અરવલ્લીમાં પણ ડૂબી જવાની દુઃખદ ઘટનાઓ બની છે.
દેવદાસ' ફેમ પીઢ અભિનેતા વિજય કૃષ્ણાનું ૮૧ વર્ષની વયે નિધન : મનોરંજન જગતમાંથી પણ એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડના પીઢ અભિનેતા અને સંજય લીલા ભણસાલીની સુપરહિટ ફિલ્મ 'દેવદાસ'માં શાહરૂખ ખાનના પિતાની ભૂમિકા ભજવનાર વિજય કૃષ્ણાનું ૮૧ વર્ષની વયે નિધન થયું છે, જેનાથી સમગ્ર ફિલ્મ ઉદ્યોગમાં શોકની લહેર ફરી વળી છે.
*ઈરાન યુદ્ધ મામલે ડોનાલ્ડ ટ્રમ્પનો હુંકાર: અમેરિકા અત્યંત મજબૂત સ્થિતિમાં, યુદ્ધના પ્રદર્શનને ૧૦ માંથી ૧૫ નું રેટિંગ આપ્યું: પરમાણુ હથિયારોનો ઉલ્લેખ કરતા ઉમેર્યું કે "જ્યારે પાગલ લોકોના હાથમાં પરમાણુ હથિયાર આવે ત્યારે ખરાબ પરિણામો આવે છે : ઈરાન સામે ચાલી રહેલા યુદ્ધના છઠ્ઠા દિવસે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા અત્યંત મજબૂત અને નિર્ણાયક સ્થિતિમાં છે. વ્હાઈટ હાઉસમાં ટેકનોલોજી કંપનીઓના વડાઓ સાથેની વાતચીત દરમિયાન ટ્રમ્પે જણાવ્યું હતું કે, "અમે યુદ્ધના મોરચે આશા કરતા ઘણું સારું કરી રહ્યા છીએ. કોઈએ મને પૂછ્યું કે તમે આ સ્થિતિના પ્રદર્શનને ૧૦ માંથી કેટલું રેટિંગ આપશો, તો મેં કહ્યું - ૧૫". ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે ઈરાની નેતૃત્વ અને તેમની મિસાઈલ ક્ષમતા ખૂબ જ ઝડપથી નષ્ટ થઈ રહી છે. તેમણે પરમાણુ હથિયારોનો ઉલ્લેખ કરતા ઉમેર્યું કે "જ્યારે પાગલ લોકોના હાથમાં પરમાણુ હથિયાર આવે ત્યારે ખરાબ પરિણામો આવે છે." આ ઉપરાંત, શ્રીલંકાના દરિયાકિનારે એક અમેરિકન સબમરીને ઈરાનના યુદ્ધજહાજને ડુબાડી દીધું હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે, જે દર્શાવે છે કે અમેરિકાએ આશા કરતા વધુ પ્રગતિ હાંસલ કરી છે.
*અમદાવાદના કાલુપુર વિસ્તારમાં વહેલી સવારે મોટો અગ્નિકાંડ: શહેર કોટડા પોલીસ સ્ટેશન સામે સેવના કારખાનામાં ભીષણ આગ : અમદાવાદના કાલુપુર બ્રિજના છેડે અને શહેર કોટડા પોલીસ સ્ટેશનની બિલકુલ સામે આવેલા સેવ બનાવવાના એક કારખાનામાં આજે વહેલી સવારે (આશરે ૨:૨૩ કલાકે) ભયાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. કારખાનામાં રહેલા ખાદ્ય તેલ અને અન્ય જ્વલનશીલ પદાર્થોના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેનાથી ફેક્ટરીમાં ભારે નુકસાન થયું છે. આગની ગંભીરતાને જોતા શહેરના અલગ-અલગ ફાયર સ્ટેશનો પરથી ફાયર બ્રિગેડના મોટા કાફલાને તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યો હતો. ફાયર ફાઈટરો દ્વારા પાણીનો મારો ચલાવીને ભારે જહેમતથી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. સદનસીબે, આ મોટી દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી.
*સુરત એરપોર્ટ પર ધરપકડ: સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમિગ્રેશન તપાસ દરમિયાન ભાવેશ ધીરુભાઈ બોરાડ નામનો વ્યક્તિ પોર્ટુગલના બનાવટી પાસપોર્ટ સાથે ઝડપાયો છે. આ પાસપોર્ટ વર્ષ ૨૦૧૯ માં બન્યો હતો. ડુમસ પોલીસે તેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
*સાયબર સ્લેવરી કૌભાંડ: સીઆઈડી દ્વારા આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેવરી રેકેટનો પર્દાફાશ કરાયો છે. મ્યાનમાર અને કંબોડિયા જેવા દેશોમાં નોકરીની લાલચ આપી યુવાનોને ફસાવવાના આ કેસમાં સુરતના બે લોકોની મુખ્ય સંડોવણી ખુલી છે.
* દ્વારકામાં પાસપોર્ટ કૌભાંડ: દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં યુકે જવા માટે બોગસ પાસપોર્ટ અને વિઝા બનાવવાનું મોટું નેટવર્ક ઝડપાયું છે. એસઓજી ટીમે તલાટી સહિત ૯ આરોપીઓની ધરપકડ કરી છે.
*પાટણમાં દારૂ ઝડપાયો: પાટણ એલસીબી ટીમે સિદ્ધપુર હાઈવે પર બટાકાની આડમાં સંતાડીને લઈ જવાતો ૪૬ લાખ રૂપિયાનો વિદેશી દારૂ પકડીને એક ટ્રક ચાલકની ધરપકડ કરી છે.
*પોલીસ અને શ્રમિકોની ધુળેટી: સુરતના હજીરા વિસ્તારમાં જે શ્રમિકોએ તાજેતરમાં પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, તેમની સાથે સુરત પોલીસે મિત્રભાવ દાખવી ધામધૂમથી ધુળેટી પર્વની ઉજવણી કરી લોકોના દિલ જીત્યા છે. *
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
