<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

આફ્રિકન દેશ કાંગોમાં ખાણ ધસી પડતા પ્રચંડ દુર્ઘટનાઃ ૨૦૦થી વધુ લોકોના કરૂણ મોતઃ ૭૦ નિર્દોષ બાળકોએ પણ જીવ ગુમાવ્‍યા

ભારે વરસાદને કારણે સર્જાયેલા લેન્‍ડસ્‍લાઈડથી રુબાયા કોલ્‍ટન ખાણની અનેક સુરંગો ધરાશાયી; સેંકડો મજૂરો દટાયા, ગંભીર રીતે ઘાયલોને ગોમા શહેરની હોસ્‍પિટલોમાં ખસેડાયા

કિન્‍શાસા તા.૫: ડેમોક્રેટિક રિપબ્‍લિક ઓફ કાંગો (DR Congo) માંથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્‍યા છે. કાંગોના રુબાયા જિલ્‍લામાં આવેલી એક વિશાળ ખાણ અચાનક ધસી પડતા ૨૦૦થી વધુ લોકોના મોત નીપજ્‍યા છે. આ દુર્ઘટનામાં સૌથી વધુ દુઃખદ બાબત એ છે કે મૃતકોમાં અંદાજે ૭૦ જેટલા બાળકોનો પણ સમાવેશ થાય છે, જેણે સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રુબાયા જિલ્‍લામાં છેલ્‍લા કેટલાક સમયથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે જમીન ધસી પડવાની (લેન્‍ડસ્‍લાઈડ) ઘટના બની હતી. આ કુદરતી આફતને પગલે રુબાયા કોલ્‍ટન ખાણમાં હાથેથી ખોદવામાં આવેલી અનેક સુરંગો એકાએક તૂટી પડી હતી. દુર્ઘટના સમયે ખાણમાં મોટી સંખ્‍યામાં મજૂરો અને અન્‍ય લોકો હાજર હતા, જેઓ કાટમાળ નીચે દટાઈ ગયા હતા.

આ ભયાનક અકસ્‍માતમાં અત્‍યાર સુધીમાં ૨૦૦થી વધુ લોકોના સત્તાવાર મોતના અહેવાલ છે. આ ઉપરાંત અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે ગોમા શહેરની વિવિધ હોસ્‍પિટલોમાં દાખલ કરવામાં આવ્‍યા છે. હોસ્‍પિટલના સૂત્રોના જણાવ્‍યા અનુસાર, ઘણા ઈજાગ્રસ્‍તોની હાલત અત્‍યંત નાજુક હોવાથી મૃત્‍યુઆંક હજુ પણ વધી શકે તેવી આશંકા સેવાઈ રહી છે.

આ ઘટનાએ કાંગોમાં ખાણકામ દરમિયાન રાખવામાં આવતી સુરક્ષા વ્‍યવસ્‍થાની પોલ ખોલી દીધી છે. સંઘર્ષ પ્રભાવિત ક્ષેત્ર હોવાને કારણે અહીં ઘણી ખાણોમાં સુરક્ષાના ધારાધોરણોનું પાલન કર્યા વિના માત્ર હાથેથી જ જોખમી સુરંગો ખોદવામાં આવે છે. પૂરતી સુરક્ષા વ્‍યવસ્‍થાના અભાવે અવારનવાર આવી દુર્ઘટનાઓ સર્જાતી રહે છે, પરંતુ આ વખતે જાનહાનિનો આંકડો ઘણો મોટો છે.

સ્‍થાનિક વહીવટીતંત્ર અને બચાવ ટુકડીઓ હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા અન્‍ય સંભવિત લોકોને શોધવા માટે પ્રયાસો કરી રહી છે. સમગ્ર વિસ્‍તારમાં હાલ શોક અને આક્રોશનું મોજું ફરી વળ્‍યું છે.

(10:13 AM IST)