News of Thursday, 5th March 2026
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો: માર્ચના અંત સુધીમાં જાહેરનામું બહાર પડવાની શક્યતા, OBC અનામત અને રોટેશનથી દિગ્ગજોના પત્તા કપાશે
૨૭% OBC અનામત અને ૫૦% મહિલા અનામતના અમલથી રાજકીય સમીકરણો ધરમૂળથી બદલાશે; રાજ્યની ૬ જૂની અને ૯ નવી રચાયેલી મહાનગરપાલિકાઓ સહિત પંચાયતોમાં ચૂંટણીનો જંગ ખેલાશે, સીટિંગ ઉમેદવારોમાં ફળકો

રાજકોટ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આ મહિનાના અંત સુધીમાં સત્તાવાર સમયપત્રક અને જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. આ વખતે અનામત અને રોટેશનના નવા નિયમોને કારણે વર્ષોથી સત્તા પર કાબિજ રહેલા અનેક દિગ્ગજ નેતાઓના રાજકીય ભાવિ પર જોખમ તોળાઈ રહ્યું છે.
OBC અનામત અને બેઠકોના રોટેશનનો નવો પડકાર:
રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગો (OBC) માટે અનામત ૧૦% થી વધારીને ૨૭% કરવામાં આવી છે. આ ફેરફારને કારણે જે બેઠકો અત્યાર સુધી સામાન્ય (જનરલ) કેટેગરીમાં હતી, ત્યાં હવે OBC ઉમેદવારોને પ્રાધાન્ય મળશે. આ ઉપરાંત, અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ની બેઠકોનું ત્રીજું રોટેશન અમલમાં આવનાર હોવાથી અનેક વર્તમાન કાઉન્સિલરો અને પંચાયત સભ્યોએ પોતાની પરંપરાગત બેઠકો ગુમાવવી પડશે. કોવિડ-૧૯ ને કારણે ૨૦૨૧ની વસ્તી ગણતરી ન થઈ હોવાથી, ૨૦૧૧ના આંકડા મુજબ જ બેઠકોની ફાળવણી કરવામાં આવશે.
મહિલા અનામત અને નવા ઉમેદવારોની શોધ:
તમામ બેઠકો પર મહિલાઓ માટે ૫૦% અનામતની જોગવાઈ હોવાથી રાજકીય પક્ષોએ મોટા પાયે મહિલા ઉમેદવારોની શોધ કરવી પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવા જ્ઞાતિગત સમીકરણો અને અનામતના માળખાને કારણે મોટાભાગના પક્ષોએ પોતાના સીટિંગ ઉમેદવારોને બદલીને નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવા પડશે.
૯ નવી મહાનગરપાલિકાઓમાં પ્રથમવાર જંગ:
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ૯ મહાનગરપાલિકાઓ - નડિયાદ, સુરેન્દ્રનગર, આણંદ, નવસારી, વાપી, મોરબી, ગાંધીધામ, પોરબંદર અને મહેસાણામાં પ્રથમ વખત કોર્પોરેશનની ચૂંટણી યોજાશે. આ વિસ્તારોમાં સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને નવા વોર્ડની રચના માટેનું જાહેરનામું પણ બહાર પાડી દેવાયું છે.
ચૂંટણીનો વ્યાપ:
રાજ્યની મુખ્ય ૬ મહાનગરપાલિકાઓ (અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર) ઉપરાંત નવી બનેલી ૯ નગરપાલિકાઓમાં પણ રસાકસીભરો જંગ જામશે. આ સાથે જ જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓ યોજાતા રાજ્યનું રાજકીય વાતાવરણ આગામી દિવસોમાં ગરમાયેલું રહેશે. પક્ષોએ અત્યારથી જ પાયાના સ્તરે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
