<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

આખરે બિહારના રાજકારણમાં યુગ પરિવર્તન! : CM તરીકેનો કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં જ નીતિશ કુમાર મુખ્યમંત્રી પદ ત્યાગી રાજ્યસભામાં જશે, બે દાયકાના શાસનનો આવશે અંત

માર્ચ ૧૬ના રોજ યોજાનારી ચૂંટણી માટે નીતિશ કુમારે ઉમેદવારીની પુષ્ટિ કરી; લોકસભા, વિધાનસભા અને વિધાન પરિષદ બાદ હવે રાજ્યસભામાં જઈ ચારેય ગૃહોમાં પ્રતિનિધિત્વ કરવાનો વિક્રમ સર્જશે, નવા મુખ્યમંત્રી કોણ? તે અંગે સસ્પેન્સ

પટના: બિહારના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી અટકળોનો આખરે અંત આવ્યો છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તેઓ આગામી રાજ્યસભાની ચૂંટણીમાં ઝંપલાવશે અને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપશે. આ જાહેરાત સાથે જ બિહારમાં છેલ્લા ૨૦ વર્ષથી ચાલી રહેલા 'નીતિશ યુગ'ના અંતના ભણકારા વાગી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગત ૫મી ડિસેમ્બરે જ પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું હતું કે કોઈ સીટિંગ મુખ્યમંત્રી કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં પદત્યાગ કરી શકે છે, જે વાત આજે સાચી સાબિત થઈ છે.

ચારેય ગૃહોમાં સેવા આપવાનું સપનું થશે સાકાર:
નીતિશ કુમારે તેમની આ જાહેરાત પાછળ એક ખાસ અંગત અને રાજકીય લક્ષ્ય જણાવ્યું છે. તેઓ ભારતની લોકશાહીના ચારેય મહત્વના ગૃહોમાં સભ્ય તરીકે સેવા આપવા માંગે છે. અત્યાર સુધી તેઓ લોકસભા (સાંસદ અને કેન્દ્રીય મંત્રી તરીકે), બિહાર વિધાનસભા અને બિહાર વિધાન પરિષદના સભ્ય રહી ચૂક્યા છે. હવે ૧૬ માર્ચ, ૨૦૨૬ના રોજ યોજાનારી રાજ્યસભાની ચૂંટણી જીતીને તેઓ આ દુર્લભ સિદ્ધિ પ્રાપ્ત કરનારા નેતાઓની યાદીમાં સામેલ થશે. લાલુ પ્રસાદ યાદવ અને સ્વ. સુશીલ કુમાર મોદી બાદ આ સિદ્ધિ મેળવનાર તેઓ બિહારના ત્રીજા મોટા નેતા બનશે.

દસમી વખત શપથ લીધાના માત્ર ચાર મહિનામાં નિર્ણય:
નીતિશ કુમાર બિહારના ઈતિહાસમાં સૌથી લાંબો સમય શાસન કરનારા મુખ્યમંત્રી છે. આશ્ચર્યજનક વાત એ છે કે, તેમણે માત્ર ચાર મહિના પહેલા જ દસમી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. જોકે, હવે તેમણે સંસદના ઉપલા ગૃહમાં જવાનો નિર્ણય લેતા બિહારમાં સત્તા પરિવર્તનની પ્રક્રિયા તેજ બની છે. જ્યાં સુધી રાજ્યસભાની ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ કાર્યકારી મુખ્યમંત્રી તરીકે પદ પર ચાલુ રહી શકે છે તેવી શક્યતા છે.
બિહારની જનતાનો માન્યો આભાર
પોતાના નિવેદનમાં નીતિશ કુમારે બિહારની જનતા પ્રત્યે અત્યંત ભાવુકતા સાથે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, "છેલ્લા બે દાયકાથી જનતાએ જે વિશ્વાસ અને સમર્થન મારામાં મૂક્યું છે, તેના કારણે જ બિહાર વિકાસના નવા શિખરો સર કરી શક્યું છે." તેમણે ખાતરી આપી હતી કે રાજ્યસભામાં ગયા પછી પણ બિહાર સાથે તેમનો સંબંધ અતૂટ રહેશે અને તેઓ નવી સરકારને સતત માર્ગદર્શન અને સહયોગ આપતા રહેશે.

નવા મુખ્યમંત્રીના નામ પર મંથન:
નીતિશ કુમારના આ મોટા નિર્ણય બાદ હવે પટનાથી લઈને દિલ્હી સુધી એક જ પ્રશ્ન ગુંજી રહ્યો છે કે બિહારના આગામી મુખ્યમંત્રી કોણ બનશે? રાજકીય પંડિતોના મતે નિત્યાનંદ રાય આ રેસમાં સૌથી આગળ હોવાનું જણાય છે, પરંતુ સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી કંઈ પણ કહેવું વહેલું ગણાશે. નીતિશ કુમારની આ એક્ઝિટ બિહારના રાજકારણમાં એક મોટા પરિવર્તન અને નવા નેતૃત્વના ઉદયનો સંકેત આપી રહી છે.

નીતિશ કુમારની રાજકીય સફર પર એક નજર:
 * કેન્દ્રીય નેતૃત્વ: અટલ બિહાર વાજપેયીની સરકારમાં રેલવે અને કૃષિ જેવા મહત્વના મંત્રાલયો સંભાળ્યા.
 * મુખ્યમંત્રી તરીકે: ૨૦૦૫માં પ્રથમ વખત પૂર્ણ બહુમતી સાથે સત્તા સંભાળી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કાયદો-વ્યવસ્થા અને સામાજિક સુધારા (જેમ કે દારૂબંધી) પર ભાર મૂક્યો.
 * વિક્રમ: બિહારમાં સૌથી વધુ ૧૦ વખત મુખ્યમંત્રી પદના શપથ લેવાનો અજોડ રેકોર્ડ.

(2:31 PM IST)