<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

૪ વર્ષના માસૂમના માથે ઉકળતા પાણીની ડોલ રેડી દીધી !

નાગપુરમાં એક મહિલાએ પોતાના જ ૪ વર્ષના માસૂમ પૌત્ર પર ઉકળતું પાણી રેડી દીધું : નાનકડા બાળકે રંગ ઉડાડતા ગુસ્‍સે થયેલી મહિલાએ ડોલમાં ભરેલું ઉકળતું પાણી બાળક પર નાખી દીધું હતું

નાગપુર, તા.૫: નાગપુરમાં એક મહિલાએ પોતાના જ ૪ વર્ષના માસૂમ પૌત્ર પર ઉકળતું પાણી રેડી દીધું હતું. નાનકડા બાળકે રમત રમતમાં પોતાની નાની પર રંગ ઉડાડ્‍યો હતો. જેનાથી ગુસ્‍સે થઈને મહિલાએ ડોલમાં ભરેલું ઉકળતું પાણી બાળક પર નાખી દીધું હતું. આ ધ્રુજાવી નાખે એવી ઘટનાનો વીડિયો નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગયો હતો. જેની એક ક્‍લિક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ઘટના નાગપુર જિલ્લાના કોરાડી વિસ્‍તારની હોવાનું જણાવાઈ રહ્યું છે.

જાણકારી અનુસાર, ૪ વર્ષના માસૂમ ઓમ હરીશ વાંગે ઘરની બહાર પોતાની પિચકારીથી રમી રહ્યો હતો. આ દરમિયાન તેની નાની, સિંધુ ઠાકરે હોળીની લાકડા પર ગરમ થયેલા પાણીનો ડોલ ભરીને લઈ જઈ રહી હતી. આ દરમિયાન તેનો પૌત્ર પોતાની પિચકારીથી નાની પર થોડો રંગ ઉડાડી દે છે. રંગ ઉડતા જ નાની એવી તે ગુસ્‍સે ભરાઈ ગઈ કે, તે પોતાના હાથમાં રહેલી ઉકળતા પાણીની ડોલ બાળક પર ઊંધી વાળી દે છે.

ઉકળતું પાણી શરીર પર પડતાં જ બાળક પીડા અને બળતરાથી ચીસો પાડવા લાગે છે. બાળકનો અવાજ સાંભળીને આજુબાજુમાંથી લોકો દોડી આવે છે અને તરત તેના પર ઠંડું પાણી રેડે છે. પરંતુ ત્‍યાં સુધીમાં બાળકના કમરની નીચેનો ભાગ ગંભીર રીતે દાઝી જાય છે. બાળકને તરત એક નજીકની હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવે છે. તબીબોનું કહેવું છે કે, બાળકનો આશરે ૪૫ ટકા શરીરનો ભાગ દાઝી ગયો છે અને તેની સ્‍થિતિ ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે.

આ ભયંકર ઘટનાનો વીડિયો સામે આવ્‍યો છે. વીડિયોમાં સ્‍પષ્ટ જોઈ શકાય છે કે, કેવી રીતે એક મહિલા કંઈ પણ સમજ્‍યા વિચાર્યા વગર એક નાનકડા બાળકને ધ્રુજાવી મૂકે એવી સજા આપે છે. આ ઘટના બાદ આખા વિસ્‍તારમાં આ મહિલા વિરુદ્ધ ભારે આક્રોશ ફેલાયેલો છે. લોકો આરોપી મહિલા સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે. વાયરલ સીસીટીવી ફુટેજના આધારે પોલીસે આ ઘટનાની નોંધ લીધી છે અને તપાસ શરૂ કરી છે. તેમજ આરોપી મહિલા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

(3:47 PM IST)