<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

સમ્રાટ ચૌધરીથી નિત્‍યાનંદ રાય સુધી, ભાજપના આ ૪ દિગ્‍ગજો વચ્‍ચે ખેલાશે મુખ્‍યમંત્રી પદનો ખેલ!

નીતિશ કુમારના દિલ્‍હી પ્રયાણ બાદ કોણ બનશે પટનાનો નવો ‘તાજ'?

પટના, તા.૫: બિહારના રાજકારણમાં દાયકાઓ બાદ એક નવો વળાંક આવ્‍યો છે, જ્‍યાં નીતિશ કુમારે રાજ્‍યના મુખ્‍યમંત્રી પદ પરથી હટીને રાજ્‍યસભામાં જવાનો નિર્ણય કર્યો છે. આ પરિવર્તન સાથે જ બિહારમાં પહેલીવાર ભાજપનો મુખ્‍યમંત્રી બનવાની શકયતાઓએ જોર પકડ્‍યું છે. અમિત શાહની હાજરીમાં નીતિશ કુમારનું નામાંકન માત્ર એક ઔપચારિકતા નથી, પણ બિહારમાં કેસરી યુગની શરૂઆતનો સંકેત છે. મુખ્‍યમંત્રી પદ માટે સમ્રાટ ચૌધરી અને નિત્‍યાનંદ રાય જેવા દિગ્‍ગજોના નામ અત્‍યારે રેસમાં સૌથી આગળ છે, જે જ્ઞાતિ આધારિત સમીકરણોમાં ભાજપને મજબૂત કરી શકે છે.

ભાજપના સંભવિત દાવેદારોમાં માત્ર સમ્રાટ ચૌધરી જ નહીં, પણ યાદવ વોટબેંકને તોડવા માટે નિત્‍યાનંદ રાય, સીમાંચલના મજબૂત નેતા દિલીપ જયસ્‍વાલ અને પટનાના અનુભવી ધારાસભ્‍ય સંજીવ ચૌરસિયાના નામો પર પણ ગંભીર વિચારણા ચાલી રહી છે. નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારની રાજકારણમાં એન્‍ટ્રી અને નવી સરકારમાં તેમની સંભવિત ભૂમિકાએ પણ લોકોમાં કુતૂહલ જગાડ્‍યું છે. ભાજપ આ વખતે એવા ચહેરાને મુખ્‍યમંત્રી બનાવવા માંગે છે જે વહીવટી અનુભવની સાથે આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધનના વોટ ગણિતને વેરવિખેર કરી શકે.

(3:57 PM IST)