<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

આભમાં આફત અને ધરતી પર રાહત: UAEમાં ફસાયેલા મુસાફરો માટે વિઝા દંડ માફીની મોટી જાહેરાત

યુદ્ધ જેવી સ્થિતિમાં ફ્લાઇટ્સ રદ થતા અટવાયેલા હજારો પ્રવાસીઓને ‘અપવાદરૂપ કિસ્સા’ ગણીને ફેડરલ ઓથોરિટીએ મોટો નિર્ણય લીધો

દુબઈ, તા. ૦૫: મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને ઈરાન સાથેના વિવાદને પગલે એરસ્પેસ (હવાઈ ક્ષેત્ર) બંધ થવાથી હજારો પ્રવાસીઓ સંયુક્ત આરબ અમીરાત (UAE) માં ફસાઈ ગયા છે. મુસાફરીના આ અનિશ્ચિત માહોલ વચ્ચે UAE સરકારે એક અત્યંત માનવીય અભિગમ અપનાવ્યો છે. ફેડરલ ઓથોરિટી ફોર આઈડેન્ટિટી, સિટીઝનશિપ, કસ્ટમ્સ અને પોર્ટ સિક્યુરિટીએ સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે, ૨૮ ફેબ્રુઆરીથી જે મુસાફરોની વિઝા અવધિ પૂરી થઈ ગઈ છે પરંતુ ફ્લાઇટના અભાવે તેઓ દેશ છોડી શક્યા નથી, તેમની પાસેથી કોઈ પણ પ્રકારનો 'ઓવરસ્ટે' દંડ વસૂલવામાં આવશે નહીં.
પ્રદેશમાં મિસાઈલ અને ડ્રોન હુમલાની ભીતિ વચ્ચે સલામતીના કારણોસર હવાઈ માર્ગો બંધ કરવામાં આવ્યા હતા, જેના કારણે એરલાઇન્સની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. આ સ્થિતિમાં જે પ્રવાસીઓ પાસે વિઝિટર વિઝા હતા અથવા જે રહેવાસીઓ પોતાની રેસિડેન્ટ પરમિટ રદ કરીને કાયમી વિદાય લેવાના હતા, તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ મુક્તિ પ્રવાસી વિઝા, મુલાકાતી વિઝા અને એક્ઝિટ પરમિટ ધરાવતા તમામ વ્યક્તિઓને લાગુ પડશે, જેથી તેઓ વધારાના આર્થિક બોજ વિના સુરક્ષિત રીતે પરત જઈ શકે.
એરપોર્ટ પર સર્જાયેલી અફરાતફરીને કાબૂમાં લેવા અને મુસાફરોને માર્ગદર્શન આપવા માટે ખાસ ટીમો તૈનાત કરવામાં આવી છે. 'ગ્રાહક સુખ કેન્દ્રો' (Customer Happiness Centres) દ્વારા ફસાયેલા લોકોને ખાધા-ખોરાકી અને રહેવાની સુવિધામાં પણ મદદ કરવામાં આવી રહી છે. જોકે, રાહતની વાત એ છે કે ગલ્ફ દેશો સાથેના 'સલામત હવાઈ કોરિડોર' હવે કાર્યરત થયા છે, જે પ્રતિ કલાક ૪૮ ફ્લાઇટ્સની ક્ષમતા સાથે હવાઈ ટ્રાફિકને ધીમે-ધીમે સામાન્ય બનાવી રહ્યા છે.

(4:11 PM IST)