<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

ગોરખપુરમાં કેસરીયો રંગ અને ભક્તિનો ઉમંગ: મુખ્યમંત્રી યોગીએ ભગવાન નૃસિંહની શોભાયાત્રામાં અબીર-ગુલાલની છોળો ઉડાડી

“સનાતન ધર્મ જ ભારતની અસલી શક્તિ”: RSSના શતાબ્દી વર્ષમાં વારસા અને વિકાસના સંગમ સાથે CM યોગીએ મનાવ્યો હોળીનો મહાપર્વ

ગોરખપુર, તા. ૦૫: ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં આ વર્ષની હોળી માત્ર રંગોનો તહેવાર જ નહીં, પરંતુ ભક્તિ અને રાષ્ટ્રવાદનો મહોત્સવ બની ગઈ હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પરંપરાગત રીતે ભગવાન નૃસિંહની રંગભરી શોભાયાત્રાનું નેતૃત્વ કર્યું હતું. ઘંટાઘરથી નીકળેલી આ ઐતિહાસિક યાત્રામાં મુખ્યમંત્રીએ શ્રદ્ધાળુઓ પર પુષ્કળ અબીર-ગુલાલ અને ફૂલોનો વરસાદ કર્યો હતો. સમગ્ર વિસ્તાર 'જય શ્રી રામ' અને 'હર હર મહાદેવ'ના નારાથી ગુંજી ઉઠ્યો હતો અને મુખ્યમંત્રી પોતે પણ ભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા.
આ પ્રસંગે એક વિશાળ જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રીએ સનાતન ધર્મના ગૌરવની વાત કરી હતી. તેમણે કહ્યું કે, "ગૌરવ, જીવંતતા અને સંવાદિતા એ સનાતન ધર્મની શક્તિ છે." તેમણે ગૌરવ સાથે ઉમેર્યું કે કાશી વિશ્વનાથ ધામ, અયોધ્યાનું રામ મંદિર અને સોમનાથ ધામ જેવા પવિત્ર સ્થળો આજે ભારતને તેના ભવ્ય વારસા પર ગર્વ અપાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે વારસો પણ સચવાઈ રહ્યો છે અને ‘શ્રેષ્ઠ ભારત’નું સપનું પણ સાકાર થઈ રહ્યું છે.
RSSના શતાબ્દી વર્ષનું વિશેષ મહત્વ
મુખ્યમંત્રીએ આ વર્ષની હોળીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના શતાબ્દી વર્ષ સાથે જોડીને અત્યંત મહત્વપૂર્ણ ગણાવી હતી. તેમણે સંઘની શિસ્તના વખાણ કરતા કહ્યું કે, લાખો કાર્યકરોએ દેશની અખંડિતતા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, જ્યારે વિશ્વના અન્ય ભાગોમાં અશાંતિ અને અરાજકતા છે, ત્યારે ભારત પીએમ મોદીના સફળ નેતૃત્વ હેઠળ કોઈ પણ ભય વિના આનંદ અને ઉત્સાહ સાથે તહેવારો ઉજવી રહ્યું છે.
ભેદભાવ દૂર કરવાનો સંદેશ
યોગી આદિત્યનાથે જાતિવાદ અને ભેદભાવ ફેલાવનારાઓને આડે હાથ લેતા કહ્યું કે, ઉત્તર પ્રદેશ ભારતનો આત્મા છે અને અહીં અયોધ્યા, કાશી, મથુરા અને પ્રયાગરાજની ત્રિવેણી સૌને સમાનતાનો સંદેશ આપે છે. શોભાયાત્રામાં સાંસદ રવિ કિશન સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ ભગવાન નૃસિંહની વિધિવત આરતી કર્યા બાદ જનતા સાથે હોળી રમીને સૌને ભાઈચારા અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો હતો.

(4:17 PM IST)