News of Thursday, 5th March 2026
“મારા મૃત્યુ માટે મારો પરિવાર જવાબદાર હશે...”: પ્રખ્યાત યુટ્યુબર UK07 રાઇડરનો અંતિમ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ, આંતરજાતીય લગ્ન અને મિલકત વિવાદમાં પડી તિરાડ
“હું હારી ગયો છું, મારે બસ હવે કાયમ માટે સૂઈ જવું છે”: પત્નીએ સાથ છોડ્યો અને માતા-પિતાએ ત્રાસ આપ્યો હોવાના ગંભીર આરોપ સાથે અનુરાગ ડોભાલનું દર્દ છલકાયું

દહેરાદૂન, તા. ૦૫: ઈન્ટરનેટની દુનિયામાં લાખો ચાહકોના દિલ જીતનાર અનુરાગ ડોભાલ, જે ‘યુકે રાઇડર’ (UK07 Rider) તરીકે જાણીતો છે, તેના જીવનમાં અચાનક અંધકાર છવાઈ ગયો છે. ગુરુવારે સવારે અનુરાગે તેની યુટ્યુબ ચેનલ પર ૨ કલાકથી વધુ લાંબો એક હૃદયસ્પર્શી વિડીયો અપલોડ કર્યો છે, જેને તેણે પોતાનો 'છેલ્લો વિડીયો' ગણાવ્યો છે. અત્યંત ભાવુક અવસ્થામાં દેખાતા અનુરાગે દાવો કર્યો છે કે તે ભયંકર ડિપ્રેશન (હતાશા) સામે લડી રહ્યો છે અને તેના આ હાલ માટે તેના જ પરિવારના સભ્યો જવાબદાર છે.
આંતરજાતીય લગ્ન બન્યા વિવાદનું કારણ?
અનુરાગે વિડીયોમાં ખુલાસો કર્યો કે તેના માતા-પિતા તેના આંતરજાતીય લગ્નની સખત વિરુદ્ધ હતા. તેણે પત્ની રીતિકા સાથે લગ્ન કરવા માટે પરિવારને મનાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ લગ્નના માત્ર પાંચ દિવસ પછી જ પરિવારમાં ભારે કંકાસ શરૂ થયો હતો. અનુરાગે આરોપ લગાવ્યો છે કે તેના માતા-પિતા બહારથી સહાયક દેખાય છે પણ વાસ્તવિકતામાં તેઓએ તેને માનસિક ત્રાસ આપ્યો છે. એટલું જ નહીં, તેણે પોતાના ભાઈ કલામ અને બહેન શ્રેયા પર પણ તેને બ્લેકમેલ કરવાનો અને મિલકત હડપવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.
પત્નીના વિરહમાં તૂટી ગયો અનુરાગ
વિડીયોની સૌથી ચોંકાવનારી વાત એ છે કે અનુરાગની પત્ની રીતિકા તેને છોડીને જતી રહી છે. અનુરાગે રડતા-રડતા કહ્યું, "રીતિકા, કાશ તેં મારા પર વિશ્વાસ કર્યો હોત. તેં બીજાના પ્રભાવમાં આવીને મને એકલો છોડી દીધો." તેણે વધુમાં જણાવ્યું કે તે છેલ્લા પાંચ દિવસથી કશું જ ખાઈ શક્યો નથી અને હવે તેનામાં લડવાની શક્તિ બાકી નથી. તેણે પોતાના પરિવારના વોટ્સએપ મેસેજ અને ઓડિયો ક્લિપ્સ પણ જાહેર કર્યા છે, જે ઘરના આંતરિક વિખવાદની સાક્ષી પૂરે છે.
અનુરાગના આ વિડીયો બાદ તેના લાખો ચાહકો ચિંતામાં મુકાયા છે. સોશિયલ મીડિયા પર તેના મિત્રો અને ફેન્સ દહેરાદૂન પોલીસને મદદ કરવા વિનંતી કરી રહ્યા છે. અત્યારે અનુરાગ ક્યાં છે અને તેની હાલત કેવી છે, તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી.
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
