<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

વ્હાઇટ હાઉસને હચમચાવતું ષડયંત્ર: “ટ્રમ્પ અને બિડેનની હત્યા માટે ઈરાને મને સોપારી આપી હતી”, પાકિસ્તાની નાગરિકનો ચોંકાવનારો એકરાર

નવેમ્બરની ચૂંટણી પહેલા અમેરિકી નેતાઓને ખતમ કરવાનું હતું પ્લાનિંગ; ‘કોન્ટ્રાક્ટ કિલર’ શોધવા નીકળેલા આસિફ મર્ચન્ટની ધરપકડથી ખળભળાટ

વોશિંગ્ટન, તા. ૦૫: વૈશ્વિક રાજકારણમાં ભડકો કરી દે તેવા સમાચાર સામે આવ્યા છે. યુએસ કોર્ટમાં ૪૭ વર્ષીય પાકિસ્તાની નાગરિક આસિફ મર્ચન્ટે સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે કે તેને ઈરાન દ્વારા અમેરિકાના ટોચના રાજકારણીઓ, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેનનો સમાવેશ થાય છે, તેમની હત્યા કરવા માટે રાખવામાં આવ્યો હતો. આ ખુલાસાએ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા વર્તમાન સૈન્ય સંઘર્ષમાં બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે.
પ્રોસિક્યુશનના રિપોર્ટ અનુસાર, આસિફ મર્ચન્ટ એપ્રિલ ૨૦૨૪માં પાકિસ્તાનથી વાયા ઈરાન થઈને અમેરિકા પહોંચ્યો હતો. તેનો મુખ્ય હેતુ નવેમ્બરની રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં 'કોન્ટ્રાક્ટ કિલિંગ' (સોપારી આપીને હત્યા) ગોઠવવાનો હતો. આસિફે અમેરિકામાં એવી વ્યક્તિઓનો સંપર્ક સાધ્યો હતો જે તેને પ્રોફેશનલ કિલર શોધી આપવામાં મદદ કરી શકે, પરંતુ તે અજાણ હતો કે તેની દરેક હિલચાલ પર અમેરિકી તપાસ એજન્સીઓની નજર હતી.
ષડયંત્રનો પર્દાફાશ અને ધરપકડ
તપાસમાં બહાર આવ્યું છે કે મર્ચન્ટે આ હત્યાકાંડ માટે મોટી રકમની એડવાન્સ ચુકવણી કરવાની પણ તૈયારી બતાવી હતી. તેણે એજન્ટોને સ્પષ્ટ સૂચના આપી હતી કે આ કામ એવું હોવું જોઈએ જે અમેરિકાના રાજકીય માળખાને હચમચાવી મૂકે. જોકે, કાવતરું અમલમાં મુકાય તે પહેલાં જ એફબીઆઈ (FBI) એ તેને ઝડપી લીધો હતો. આ ધરપકડ બાદ હવે અમેરિકા ઈરાન પરના પોતાના આરોપોને વધુ મજબૂત બનાવી રહ્યું છે.
આ ઘટના એવા સમયે પ્રકાશમાં આવી છે જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે હિંદ મહાસાગરથી લઈને પર્સિયન ગલ્ફ સુધી યુદ્ધ ફાટી નીકળ્યું છે. અમેરિકી અધિકારીઓનું માનવું છે કે આ પ્રકારના કાવતરાં પાછળ ઈરાનનો ઈરાદો તેના પરમાણુ વૈજ્ઞાનિકો અને કમાન્ડરોના મોતના બદલો લેવાનો હોઈ શકે છે. આસિફ મર્ચન્ટ વિરુદ્ધ હવે આતંકવાદ અને હત્યાના કાવતરા હેઠળ કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(4:21 PM IST)