News of Thursday, 5th March 2026
AC માં ‘ગેસ લીકેજ’ના નામે ખિસ્સું ખાલી કરતા ટેકનિશિયનોથી સાવધાન! સર્વિસ કરાવતા પહેલા ઘરે જ કરો આ ૫ મિનિટનો ટેસ્ટ
૩૦૦૦-૪૦૦૦ રૂપિયાનો બિનજરૂરી ખર્ચ બચાવવા અપનાવો આ સ્માર્ટ ટિપ્સ; ધૂળ ભરેલા ફિલ્ટર પણ હોઈ શકે છે ઓછી ઠંડકનું કારણ

રાજકોટ, તા. ૦૫: હોળીના તહેવાર બાદ હવે ગરમીનો પારો ધીમે ધીમે વધી રહ્યો છે. ગરમીથી બચવા માટે લોકોએ પોતાના ઘરના AC (એર કંડિશનર) ચાલુ કર્યા છે અને ઘણા લોકો સીઝન પહેલા સર્વિસ કરાવી લેવાનું યોગ્ય સમજે છે. જોકે, ઘણીવાર એવું બને છે કે AC ટેકનિશિયન ઘરે આવે ત્યારે સામાન્ય સર્વિસના બદલે સીધો જ ‘ગેસ લીકેજ’નો બોમ્બ ફોડે છે. ૩,૦૦૦ થી ૪,૦૦૦ રૂપિયાનું બિલ જોઈને સામાન્ય માણસના બજેટમાં ખલેલ પહોંચે છે. પણ શું ખરેખર દર વખતે ગેસ લીક જ હોય છે?
ઘણીવાર માત્ર ધૂળ જામી જવાને કારણે કે ફિલ્ટર ગંદા હોવાને કારણે ઠંડક ઓછી થતી હોય છે. ટેકનિશિયન તમને છેતરે તે પહેલાં, તમે પોતે જ નીચે મુજબના ૫ ઘરેલુ પરીક્ષણો કરીને સત્ય જાણી શકો છો:
ગેસ લીકેજ ઓળખવા માટેના ૫ સરળ પરીક્ષણો:
- ૧. બરફનું જામવું (Ice Formation): જો તમારા AC ના ઇન્ડોર યુનિટમાંથી પાણી ટપકતું હોય અથવા ફિલ્ટરની પાછળ બરફ દેખાતો હોય, તો સમજી લેવું કે ગેસ ઓછો છે. ગેસ ઓછો હોવાથી કોઇલનું તાપમાન ખૂબ ઘટી જાય છે અને ભેજ બરફ બની જાય છે.
- ૨. પાઇપ પર સફેદ બરફ: આઉટડોર યુનિટ પાસે તાંબાની બે પાઇપ હોય છે. જો પાતળી પાઇપ પર સફેદ બરફ જામતો દેખાય, તો તે ગેસ લીકેજનો ચોક્કસ સંકેત છે.
- ૩. સાબુના ફીણનો ટેસ્ટ (Bubble Test): આ સૌથી જૂની અને કારગત રીત છે. વાસણ ધોવાના લિક્વિડ કે સાબુનું ફીણ બનાવી પાઇપના સાંધા (Joints) પર લગાવો. જો ત્યાં પરપોટા થાય, તો ગેસ ત્યાંથી લીક થઈ રહ્યો છે.
- ૪. તેલના ડાઘ: AC ના ગેસ સાથે અંદર તેલ પણ ફરતું હોય છે. જો પાઇપના સાંધા પાસે ચીકણું તેલ કે કાળા ડાઘ દેખાય, તો સમજવું કે ગેસ ઉડી ગયો છે અને તેલ પાછળ રહી ગયું છે.
- ૫. ‘હિસિંગ’ અવાજ: જો લીકેજ મોટું હોય, તો AC ચાલુ કરતી વખતે આઉટડોર યુનિટમાંથી સાપના ફૂંફાડા જેવો હળવો ‘હિસ’ અવાજ આવશે.
ખાસ સલાહ: ટેકનિશિયનને બોલાવતા પહેલા હંમેશા એર ફિલ્ટર જાતે સાફ કરી જુઓ. જો ફિલ્ટર સાફ કર્યા પછી પણ ઠંડક ન થાય અને ઉપરના ૫ ચિહ્નોમાંથી કોઈ દેખાય, તો જ ગેસ રિફિલ કરાવવાનો આગ્રહ રાખો.
(4:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
