News of Thursday, 5th March 2026
રાજકારણની કડવી વાસ્તવિકતા: “સત્ય બોલવું એ ગુનો અને શાપ છે”, રાજ્યસભાની ટિકિટ ન મળતા આનંદ શર્માનું દર્દ છલકાયું
હિમાચલમાં અનુરાગ શર્મા બિનહરીફ ચૂંટાશે તે નિશ્ચિત, પરંતુ વરિષ્ઠ નેતા આનંદ શર્માના નિવેદને કોંગ્રેસમાં મચાવ્યો ખળભળાટ; કહ્યું- આત્મસન્માનની કિંમત ચૂકવવી પડે છે

શિમલા, તા. ૦૫: હિમાચલ પ્રદેશની રાજ્યસભા બેઠક માટે કોંગ્રેસે જ્યારે અનુરાગ શર્માના નામની જાહેરાત કરી, ત્યારે સૌની નજર ૫૦ વર્ષની રાજકીય કારકિર્દી ધરાવતા વરિષ્ઠ નેતા આનંદ શર્મા પર હતી. ટિકિટ ન મળ્યા બાદ આનંદ શર્માએ જે પ્રતિક્રિયા આપી છે, તેણે રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ જન્માવી છે. તેમણે ખૂબ જ ગંભીર લહેજામાં કહ્યું કે, "રાજકારણમાં આત્મસન્માન જાળવવું એ ખૂબ મોંઘી વસ્તુ છે અને અહીં સત્ય બોલવું એ ગુનો માનવામાં આવે છે."
ભાજપે આ વખતે હિમાચલમાંથી કોઈ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો નથી, જેના કારણે કોંગ્રેસના ઉમેદવાર અનુરાગ શર્માનો વિજય નિશ્ચિત જણાય છે. જોકે, આ જીતની ખુશી વચ્ચે આનંદ શર્માના તેવરે હાઈકમાન્ડની મુશ્કેલી વધારી દીધી છે. જ્યારે પત્રકારોએ તેમને પૂછ્યું કે શું તેઓ નિરાશ છે, ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ આ મુદ્દાને હાઈકમાન્ડ સમક્ષ લઈ જશે નહીં, કારણ કે સત્ય બોલવાની કિંમત તેમણે ચૂકવવી પડી છે.
૫૦ વર્ષની સફર અને સિદ્ધાંતોની લડાઈ
આનંદ શર્માએ જણાવ્યું કે દાયકાઓ સુધી હિમાચલ પ્રદેશ અને દેશનું પ્રતિનિધિત્વ કરવું એ તેમના માટે ગૌરવની વાત છે. તેમણે ઉમેર્યું, "મને સત્ય બોલતા કોઈ રોકી શકશે નહીં. રાજકારણમાં નિષ્ઠા અને સિદ્ધાંતોની લડાઈ હંમેશા અઘરી હોય છે." ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવીની હાર થઈ હતી, જેના કારણે આ વખતે પાર્ટીએ ખૂબ જ સાવચેતીપૂર્વક રણનીતિ ઘડી છે.
ભાજપની રણનીતિ અને કોંગ્રેસની રાહ
ભાજપના રાજ્યસભા સાંસદ ઇન્દુ ગોસ્વામીનો કાર્યકાળ પૂરો થતાં આ બેઠક ખાલી પડી હતી. ભાજપે આ વખતે ઉમેદવાર ન ઉતારીને કોંગ્રેસ માટે રસ્તો સાફ કરી દીધો છે, પરંતુ આંતરિક ખેંચતાણ કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બની શકે છે. આનંદ શર્મા જેવા દિગ્ગજ નેતાની અવગણના આગામી સમયમાં હિમાચલના રાજકારણ પર કેવી અસર કરે છે, તે જોવું રસપ્રદ રહેશે.
(5:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
