<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

આર્યન ખાનનો હોલીવુડમાં ‘કિંગ’ સાઈઝ ધડાકો: ‘ગેમ ઓફ થ્રોન્સ’ના મેકર્સે કર્યો સંપર્ક; શું આર્યન હવે જશે વેસ્ટરોસની દુનિયામાં?

‘ધ બેડ્સ ઓફ બોલીવુડ’ની આંતરરાષ્ટ્રીય સફળતા બાદ HBO ની ટીમ ફિદા; આર્યન ખાનને ‘ક્રિએટિવ હેડ’ તરીકે મળી શકે છે મોટી જવાબદારી

મુંબઈ, તા. ૦૫: બોલીવુડના ‘બાદશાહ’ શાહરૂખ ખાને ભલે અત્યાર સુધી હોલીવુડની કોઈ ફિલ્મમાં કામ નથી કર્યું, પણ એવું લાગે છે કે તેમનો પુત્ર આર્યન ખાન હોલીવુડમાં પિતા કરતાં પણ મોટી છલાંગ લગાવવા જઈ રહ્યો છે. તાજેતરના અહેવાલો મુજબ, વિશ્વની સૌથી લોકપ્રિય વેબ સિરીઝમાંની એક ‘ગેમ ઓફ થ્રોન્સ’ (GOT) ના નિર્માતાઓએ આર્યન ખાનનો સંપર્ક કર્યો છે. આ સમાચાર વાયુવેગે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આર્યન ખાનની ડેબ્યુ વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલીવુડ’ (The Ba***ds of Bollywood) ની સફળતાએ તેને રાતોરાત વૈશ્વિક સ્તરે એક કુશળ સર્જક તરીકે સ્થાપિત કરી દીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, HBO ની અમેરિકન ટીમ આ સિરીઝના ટોન, લેખન શૈલી અને આર્યનની સર્જનાત્મકતાથી એટલી પ્રભાવિત થઈ છે કે તેઓએ તેને તેમના આગામી પ્રોજેક્ટ્સમાં ‘ક્રિએટિવ હેડ’ અથવા ‘ક્રિએટિવ પ્રોડ્યુસર’ તરીકે જોડવાની ઓફર આપી છે.

શું આર્યન ખાન ‘હા’ કહેશે?

અત્યારે એવા અહેવાલો છે કે આર્યન ખાન અને HBO ની ટીમ વચ્ચે વાતચીત ચાલી રહી છે. આર્યન આ ઓફર સ્વીકારતા પહેલા તેની ભૂમિકા અને જવાબદારીઓ વિશે વધુ સ્પષ્ટતા ઈચ્છી રહ્યો છે. જો આ ડીલ ફાઈનલ થઈ જાય, તો આર્યન ખાન હોલીવુડના સૌથી મોટા પ્રોડક્શન હાઉસ સાથે કામ કરનાર ભારતનો અત્યાર સુધીનો સૌથી યુવા સર્જક બની જશે.

‘ધ બેડ્સ ઓફ બોલીવુડ’ વિશે વાત કરીએ તો, આ સિરીઝ સપ્ટેમ્બર ૨૦૨૫ માં નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી અને તેણે બોલીવુડના અંદરના રહસ્યો અને નેપોટિઝમ જેવા વિષયો પર જે રીતે કટાક્ષ કર્યો છે, તેના વખાણ દેશ-વિદેશમાં થઈ રહ્યા છે. આ સિરીઝમાં બોબી દેઓલ અને લક્ષ્ય લાલવાની જેવા કલાકારોએ મહત્વની ભૂમિકા ભજવી છે.

(5:45 PM IST)