News of Thursday, 5th March 2026
“સમાચારમાં રહેવા માટે આમીર બકવાસ કરે છે”: મોહમ્મદ કૈફનો પાકિસ્તાની પેસર પર પ્રચંડ પ્રહાર, કહ્યું- ભારતને હરાવવાની ભવિષ્યવાણી માત્ર એક નાટક
મોહમ્મદ આમીરે ભારત સેમિફાઇનલમાં હારશે તેવો કર્યો દાવો; કૈફે યાદ અપાવ્યું- જેની ટીમ અમેરિકા સામે હારી જાય તેણે ભારતને સલાહ આપવાની જરૂર નથી

રાજકોટ, તા. ૦૫: T20 વર્લ્ડ કપ ૨૦૨૬ની બીજી સેમિફાઇનલમાં ભારત અને ઇંગ્લેન્ડ આમને-સામને છે, ત્યારે પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમીરે ફરી એકવાર ભારતીય ટીમ વિરુદ્ધ ઝેર ઓક્યું છે. આમીરે ભવિષ્યવાણી કરી છે કે ભારત સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે હારી જશે અને ફાઇનલમાં પહોંચી શકશે નહીં. આ ટિપ્પણી પર ભૂતપૂર્વ ભારતીય ફિલ્ડર મોહમ્મદ કૈફે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે.
કૈફે પોતાની યુટ્યુબ ચેનલ પર આમીરની આકરી ઝાટકણી કાઢતા કહ્યું કે, "આમીરને ખબર જ છે કે ટીમ ઇન્ડિયા અત્યારે ફોર્મમાં છે અને ફાઇનલમાં પહોંચવાની પ્રબળ દાવેદાર છે, પરંતુ તે માત્ર હેડલાઇન્સમાં રહેવા માટે આવી બકવાસ વાતો કરે છે." કૈફે ચાહકોને અપીલ કરી કે આવા ખેલાડીઓની વાતો પર ધ્યાન આપીને તેમને બિનજરૂરી મહત્વ આપવાની કોઈ જરૂર નથી.
અભિષેક શર્મા પરની ટિપ્પણીનો આપ્યો જવાબ
મોહમ્મદ આમીરે અગાઉ ભારતના યુવા ઓપનર અભિષેક શર્માની મજાક ઉડાવતા તેને 'સ્લોગર' (આંધળુકિયા શોટ મારનાર) કહ્યો હતો. કૈફે તેનો જવાબ આપતા કહ્યું કે જ્યારે પાકિસ્તાનની ટીમ ૨૦૨૪માં અમેરિકા જેવી નવી ટીમ સામે હારી હતી, ત્યારે આ જ આમીર મુખ્ય બોલર હતો અને તેણે સૌથી વધુ વાઇડ બોલ ફેંકીને મેચ ગુમાવી હતી. જે દેશ પાસે અત્યારે ન કોઈ મજબૂત કેપ્ટન છે કે ન કોઈ સ્ટેન્ડર્ડ ખેલાડી, તેમણે વર્લ્ડ ચેમ્પિયન ભારત વિશે ટિપ્પણી કરતા પહેલા વિચારવું જોઈએ.
“આપણું લેવલ અલગ છે”
કૈફે વધુમાં ઉમેર્યું કે ભારતીય ક્રિકેટ અત્યારે જે સ્તર પર છે, ત્યાં પાકિસ્તાની ખેલાડીઓ પહોંચી શકે તેમ નથી. આમીર જેવા ખેલાડીઓ જાણીજોઈને ભારત વિરુદ્ધ બોલે છે જેથી ભારતીય ફેન્સ તેમના પર પ્રતિક્રિયા આપે અને તેમનો વ્યુઅરશિપ રેટ વધે. કૈફના મતે, ભારતીય ટીમે માત્ર પોતાના પ્રદર્શન પર ધ્યાન આપવું જોઈએ અને આવી નકારાત્મક વાતોને ડસ્ટબિનમાં નાખી દેવી જોઈએ.
(5:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
