<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

વોશિંગ્ટનમાં ભભૂક્યો વિરોધ: ઈરાન પર હુમલાનો વિરોધ કરી રહેલા પૂર્વ સૈનિકનો હાથ તૂટી ગયો, અમેરિકી સેનેટમાં સર્જાયો ભારે હોબાળો

“ઈઝરાયેલ માટે કોઈ સૈનિક લડવા માંગતો નથી”: પૂર્વ મરીન સાર્જન્ટ અને પોલીસ વચ્ચેની ઝપાઝપીમાં કોંગ્રેસમેન પણ કૂદી પડ્યા; રૂમમાં ચીસાચીસના અવાજોથી ગુંજી ઉઠ્યું કેપિટોલ

વોશિંગ્ટન: મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવી રહેલા હુમલાઓનો વિરોધ હવે અમેરિકાના હૃદય સમાન વોશિંગ્ટન ડીસીના સેનેટ હોલ સુધી પહોંચી ગયો છે. યુએસ સેનેટ આર્મ્ડ સર્વિસીસ કમિટીની મહત્વની સુનાવણી ચાલી રહી હતી, ત્યારે જ એક પૂર્વ અમેરિકી સૈનિકે યુદ્ધ વિરોધી નારા લગાવીને હંગામો મચાવ્યો હતો. આ ઝપાઝપી એટલી ગંભીર હતી કે પ્રદર્શનકારીનો હાથ દરવાજામાં ફસાઈને તૂટી ગયો હતો, જેનો વિડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહ્યો છે.

ઘાયલ પ્રદર્શનકારીની ઓળખ બ્રાયન મેકગિનેસ તરીકે થઈ છે, જે ૨૦૦૦ થી ૨૦૦૪ દરમિયાન યુનાઈટેડ સ્ટેટ્સ મરીન કોર્પ્સમાં સાર્જન્ટ તરીકે સેવા આપી ચૂક્યા છે. સુનાવણી દરમિયાન જ્યારે મેકગિનેસે ઈરાન વિરુદ્ધની લશ્કરી કાર્યવાહીનો વિરોધ શરૂ કર્યો, ત્યારે કેપિટોલ પોલીસે તેમને પકડીને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન મેકગિનેસે દરવાજાની ફ્રેમ મજબૂતીથી પકડી લીધી હતી, જેના કારણે પોલીસના બળપ્રયોગ વચ્ચે તેમનો હાથ ફસાઈ ગયો અને કડકડાટ અવાજ સાથે તૂટી ગયો હતો.

 

સેનેટર ટિમ શીહી અને પોલીસ સામે આક્ષેપો

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિયોમાં જોઈ શકાય છે કે પોલીસ અધિકારીઓની સાથે કોંગ્રેસમેન ટિમ શીહી પણ પૂર્વ સૈનિકને ખેંચીને બહાર કાઢવામાં મદદ કરી રહ્યા હતા. રૂમમાં હાજર લોકો "ઓહ માય ગોડ! તેનો હાથ તૂટી રહ્યો છે" તેવી ચીસો પાડતા સાંભળવા મળે છે. જ્યારે મેકગિનેસને લોહીલુહાણ હાલતમાં બહાર લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે તેઓ સતત બૂમો પાડી રહ્યા હતા કે, "કોઈ અમેરિકી સૈનિક ઈઝરાયેલ માટે પોતાનો જીવ આપવા માંગતો નથી."

સેનેટરનો બચાવ:

ઘટના બાદ સેનેટર ટિમ શીહીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાનો બચાવ કરતા લખ્યું કે, પ્રદર્શનકારી બેકાબૂ હતો અને તેઓ માત્ર પોલીસને પરિસ્થિતિ શાંત કરવામાં મદદ કરી રહ્યા હતા. તેમણે ઉમેર્યું કે, "આ વ્યક્તિ મુકાબલો કરવાના ઈરાદા સાથે જ આવ્યો હતો."

આ ઘટનાએ અમેરિકામાં ચાલી રહેલા યુદ્ધ વિરોધી આંદોલનને નવો વેગ આપ્યો છે. વિશ્લેષકોનું માનવું છે કે મધ્ય પૂર્વમાં વધતા સંઘર્ષને કારણે અમેરિકન જનતા અને ખાસ કરીને પૂર્વ સૈનિકોમાં સરકારની નીતિઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

(6:13 PM IST)