News of Thursday, 5th March 2026
યુદ્ધની આડમાં ભારતને અસ્થિર કરવાનું મોટું કાવતરું: ‘AI’ શસ્ત્રથી ભારતીય યુવાનોનું બ્રેઈનવોશ, IB એ જારી કર્યું હાઈ-એલર્ટ
ઈરાન-અમેરિકા જંગનો ફાયદો ઉઠાવી કટ્ટરપંથીઓ સક્રિય; મલયાલમ, કાશ્મીરી અને હિન્દી ભાષામાં AI વીડિયો બનાવી ફેલાવવામાં આવી રહ્યું છે ઝેર

નવી દિલ્હી: ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને એક અઠવાડિયું વીતી ગયું છે. આ સંઘર્ષમાં આયાતુલ્લાહ અલી ખામેનીના અવસાન બાદ પરિસ્થિતિ વધુ વિસ્ફોટક બની છે. પરંતુ આ આંતરરાષ્ટ્રીય કટોકટીની આડમાં ભારતમાં કટ્ટરવાદ ફેલાવવાનું એક સુનિયોજિત કાવતરું ઘડાઈ રહ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) એ કર્યો છે. ગુપ્તચર એજન્સીઓના મતે, કટ્ટરપંથી તત્વો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને ભારતીય યુવાનોને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સ્થાનિક ભાષાઓમાં ‘ડીપફેક’ પ્રોપેગન્ડા
IB ના અધિકારીઓએ જણાવ્યું કે, ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને કેરળ જેવા સંવેદનશીલ રાજ્યોમાં યુવાનોને નિશાન બનાવવા માટે AI દ્વારા જનરેટ કરાયેલા વીડિયોનો સહારો લેવામાં આવી રહ્યો છે. આ વીડિયો માત્ર ઉર્દૂ જ નહીં, પરંતુ જે-તે પ્રદેશની સ્થાનિક ભાષાઓમાં તૈયાર કરવામાં આવે છે. કેરળ માટે મલયાલમ, કાશ્મીર માટે કોશુર અને યુપી માટે હિન્દીમાં ભડકાવનારું કન્ટેન્ટ પીરસવામાં આવી રહ્યું છે, જેથી સામાન્ય યુવાનો સરળતાથી આ ઝાંસામાં આવી જાય.
પાકિસ્તાની ISI અને આતંકી સંગઠનોની મિલીભગત
આ ષડયંત્રમાં માત્ર ધાર્મિક લાગણીઓ જ નહીં, પરંતુ વૈશ્વિક આતંકી સંગઠનો પણ સક્રિય થયા છે. ભલે ISIS અને અલ-કાયદાની વિચારધારા અલગ હોય, પરંતુ તેઓ અમેરિકા અને ઈઝરાયેલ વિરોધી સેન્ટિમેન્ટનો ઉપયોગ કરીને ભારતીય યુવાનોને 'લોન વુલ્ફ' (એકલા હાથે હુમલો કરનાર) હુમલા માટે તૈયાર કરી રહ્યા છે. પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISI પણ 'હજાર ઘા મારીને ભારતને નબળું પાડવાની' તેની જૂની નીતિ હેઠળ આ પ્રક્રિયામાં તેલ હોમી રહી છે.
સોશિયલ મીડિયા પર બાજ નજર
સરકારે આ મામલે એડવાઈઝરી જારી કરી છે કે પ્રાર્થના સભાઓ અને શોક સરઘસોમાં કટ્ટરપંથી તત્વો ઘૂસણખોરી કરી શકે છે. એજન્સીઓ અત્યારે એવા ડિજિટલ ઇન્ફ્લુએન્સર્સ પર પણ નજર રાખી રહી છે જેઓ ધર્મના નામે સૂક્ષ્મ રીતે ઉશ્કેરણીજનક સંદેશાઓ ફેલાવી રહ્યા છે. અધિકારીઓના મતે, આ એક લાંબાગાળાની રણનીતિ છે જેનો ઉદ્દેશ્ય અત્યારે ભલે નાનો લાગે, પરંતુ ભવિષ્યમાં તે મોટા હુમલાનું કારણ બની શકે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ પર થઈ રહેલા નાણાકીય વ્યવહારો પણ અત્યારે તપાસના ઘેરામાં છે.
(6:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
