<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

મધ્ય પૂર્વમાં મહાયુદ્ધની જ્વાળા: અયાતુલ્લાહ ખામનેઈના નિધન પર ભારતે વ્યક્ત કર્યો શોક : શાંતિ માટે અપીલ

અમેરિકા-ઇઝરાયેલના ભીષણ હવાઈ હુમલામાં ઈરાની સુપ્રીમ લીડરના મોત બાદ વિશ્વ બે ભાગમાં વહેંચાયું: હિંદ મહાસાગરમાં ઈરાની જહાજ પર ટોર્પિડો હુમલાથી તણાવ ચરમસીમાએ : પીએમ મોદીએ યુદ્ધ વિરામ માટે લશ્કરી મુકાબલો છોડવા કરી હાકલ

નવી દિલ્હી:  દાયકાઓ સુધી ઈરાન પર શાસન કરનાર સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનીના અમેરિકન અને ઇઝરાયલી હુમલામાં થયેલા નિધન બાદ સમગ્ર વિશ્વમાં સન્નાટો વ્યાપી ગયો છે. ગુરુવારે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ નવી દિલ્હી સ્થિત ઈરાની દૂતાવાસની મુલાકાત લીધી હતી અને શોક પુસ્તકમાં હસ્તાક્ષર કરી ભારત સરકાર વતી સંવેદના વ્યક્ત કરી હતી. ઈરાની સત્તાવાર એજન્સી IRNA મુજબ, યુદ્ધ શરૂ થયાના છ દિવસમાં જ 1,000 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. તેહરાનના રહેણાંક વિસ્તારો, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ફૂટબોલ સ્ટેડિયમો પર થયેલા હુમલાઓએ માનવીય કટોકટી સર્જી છે, જેને પગલે ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વ્યક્ત કરી છે.

આ સંઘર્ષ હવે માત્ર સરહદો પૂરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ સમુદ્રમાં પણ ફેલાયો છે. શ્રીલંકાના દરિયાકાંઠે અમેરિકન સબમરીને ઈરાની યુદ્ધ જહાજને ટોર્પિડો કરી ઉડાવી દેતા 80 થી વધુ ખલાસીઓના મોત થયા છે, જેના જવાબમાં ઈરાને અમેરિકાને 'ભારે પસ્તાવો' કરાવવાની ધમકી આપી છે. બીજી તરફ, અઝરબૈજાને પણ ઈરાન પર ડ્રોન હુમલાનો આરોપ લગાવી વળતા પ્રહારની તૈયારી બતાવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટનાને "ઇતિહાસના ક્રૂર શાસકનો અંત" ગણાવીને ઈરાની જનતા માટે આઝાદીની તક ગણાવી છે, જ્યારે ઈરાને ઇઝરાયેલ અને અમેરિકાના ઠેકાણાઓ પર નવા મિસાઈલ હુમલા કરીને યુદ્ધને વધુ તેજ બનાવ્યું છે.

વિશ્વ યુદ્ધની આરે ઉભેલા આ માહોલ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય પૂર્વની કટોકટી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ફિનલેન્ડના રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત બાદ પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, લશ્કરી મુકાબલો ક્યારેય કોઈ સમસ્યાનો કાયમી ઉકેલ હોઈ શકતો નથી. તેમણે તમામ પક્ષોને તાત્કાલિક દુશ્મનાવટ છોડીને વાતચીતના ટેબલ પર આવવા હાકલ કરી છે. ભારત માટે આ સ્થિતિ વ્યૂહાત્મક રીતે પડકારજનક છે, કારણ કે એક તરફ ઈરાન સાથેના જૂના સંબંધો છે અને બીજી તરફ અમેરિકા-ઇઝરાયેલ સાથેની મજબૂત ભાગીદારી છે, જેની વચ્ચે રહીને ભારત શાંતિદૂતની ભૂમિકા ભજવવા પ્રયાસ કરી રહ્યું છે.

(7:15 PM IST)