<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

પતિના પગાર પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો : હવે બોસ સીધા પત્નીના ખાતામાં જમા કરશે ભરણપોષણના પૈસા!

ભુજની પરિણીતાના હકમાં સર્વોચ્ચ અદાલતનો અભૂતપૂર્વ ચુકાદો: જવાબદારીમાંથી છટકી રહેલા પતિના અહંકારને કોર્ટે ઓગાળ્યો : દર મહિને પગારમાંથી ₹25,000 કાપીને RTGS કરવાનો એમ્પ્લોયરને કડક આદેશ : પુત્રીના ઉછેર માટે પિતાની આર્થિક આનાકાની હવે નહીં ચાલે

નવી દિલ્હી:  દેશની સર્વોચ્ચ અદાલતે કાયદાકીય ઈતિહાસમાં એક એવો દાખલો બેસાડ્યો છે જે જવાબદારીઓથી ભાગતા પતિઓ માટે લાલબત્તી સમાન છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને કેવી. વિશ્વનાથનની બેન્ચે એક કેસની સુનાવણી દરમિયાન માનવતા અને ન્યાયનો સમન્વય કરતા આદેશ આપ્યો કે પતિના માલિકે (બોસ) દર મહિને કર્મચારીના પગારમાંથી ₹25,000 કાપીને સીધા તેની પત્નીના ખાતામાં ટ્રાન્સફર કરવા પડશે. આ આદેશ ત્યારે આવ્યો જ્યારે પતિએ કોર્ટ સમક્ષ આર્થિક તંગીનું બહાનું ધરીને બાકી નીકળતી રકમ ચૂકવવાનો સાફ ઈન્કાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો પતિ સ્વેચ્છાએ જવાબદારી નહીં નિભાવે, તો કાયદો તેના પગાર પર સીધો અંકુશ મેળવશે.

આ મામલો ગુજરાતના ભુજ-કચ્છની ફેમિલી કોર્ટ સાથે જોડાયેલો છે, જ્યાં ડિમ્પલ નામની મહિલાએ તેના પતિ નિશાંત સોની વિરુદ્ધ ભરણપોષણની અરજી કરી હતી. છેલ્લા ચાર વર્ષથી આ દંપતી અલગ રહે છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે પિતાએ પોતાની ચાર વર્ષની માસૂમ પુત્રી અવીરાના ઉછેર માટે એક રૂપિયો પણ આપ્યો નહોતો. કોર્ટમાં પતિએ સોગંદનામું કર્યું કે તેનો પગાર ₹50,000 છે અને તે દેવામાં ડૂબેલો છે. જ્યારે કોર્ટે તેને બાકી નીકળતા ₹2.5 લાખ જમા કરાવવા પૂછ્યું, ત્યારે તેણે નકારાત્મક વલણ અપનાવ્યું હતું. પતિની આ જિદ્દ અને પત્નીની લાચારી જોઈને સુપ્રીમ કોર્ટે મધ્યસ્થી કરવાના બદલે સીધો એક્શન મોડ અપનાવ્યો હતો.

કોર્ટે ખાસ કરીને સગીર પુત્રીના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જેનો ઉછેર તેની માતા એકલા હાથે પીિયરમાં રહીને કરી રહી છે. મેજિસ્ટ્રેટ કોર્ટના અગાઉના આદેશોનું ઉલ્લંઘન કરનાર પતિને પાઠ ભણાવવા માટે બેન્ચે એમ્પ્લોયરને આદેશમાં સામેલ કર્યા છે, જે ભારતીય ન્યાયતંત્રમાં ભાગ્યે જ જોવા મળતી ઘટના છે. હવેથી દર મહિને પગાર થતાની સાથે જ પત્નીના ખાતામાં નિશ્ચિત રકમ જમા થઈ જશે, જેથી મહિલાએ દર મહિને પૈસા માટે કાલાવાલા નહીં કરવા પડે. આ કેસની આગામી સુનાવણી એપ્રિલમાં થવાની છે, પરંતુ આ વચગાળાના આદેશથી હજારો પીડિત મહિલાઓમાં ન્યાયની નવી આશા જાગી છે.

(7:16 PM IST)