News of Thursday, 5th March 2026
દુનિયામાં તેલનો હાહાકાર, પણ ભારત બેફિકર! હોર્મુઝની નાકેબંધી સામે પીએમ મોદીનો 'પ્લાન-બી' તૈયાર
ઈરાને દરિયાઈ માર્ગ બંધ કરતા વૈશ્વિક બજારમાં ફાળ પડ્યો: અમેરિકા, યુએઈ અને ઓસ્ટ્રેલિયા સાથેના નવા કરારો બનશે ભારતની લાઈફલાઈન: ગેસ અને ક્રૂડ ઓઈલનો જથ્થો ખૂટશે નહીં તેવી કેન્દ્ર સરકારની ખાતરી

નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ 'હોર્મુઝ સ્ટ્રેટ' પર તાળા લગાવી દીધા છે. વૈશ્વિક તેલ પુરવઠાનો પાંચમો ભાગ જ્યાંથી પસાર થાય છે તે માર્ગ બંધ થતા સેંકડો ટેન્કરો મધદરિયે લંગરાઈ ગયા છે. જોકે, આ આંતરરાષ્ટ્રીય કટોકટી વચ્ચે ભારત માટે રાહતના સમાચાર છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતની ઉર્જા સુરક્ષા હાલમાં લોખંડી સ્થિતિમાં છે. દેશે અગાઉથી જ ક્રૂડ ઓઈલ અને ગેસનો પૂરતો સ્ટોક કરી લીધો છે, જેને દરરોજ ઝડપથી રિફિલ કરવામાં આવી રહ્યો છે, જેથી સામાન્ય જનતા પર યુદ્ધની માઠી અસર ન પડે.
ભારત પોતાની ગેસની જરૂરિયાત માટે કતાર પર નિર્ભર હતું, પરંતુ બદલાતી પરિસ્થિતિને જોતા ભારતે હવે અમેરિકા અને યુએઈ સાથે નવા વ્યુહાત્મક કરાર કર્યા છે. ભારત કુલ 195 મિલિયન મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ગેસ આયાત કરે છે, જેમાં કતારનો હિસ્સો હવે માત્ર 60 mmscmd રહ્યો છે. ઓસ્ટ્રેલિયા અને કેનેડાએ પણ ભારતને ગેસ સપ્લાય કરવા માટે મોટી ઓફર આપી છે. ભારત માત્ર આયાત પર જ નહીં, પણ જહાજોના વીમા અને સુરક્ષિત પરિવહન માટે અમેરિકા સાથે સતત સંપર્કમાં છે, જેથી હોર્મુઝ માર્ગ બંધ હોવા છતાં વૈકલ્પિક રસ્તાઓ દ્વારા પુરવઠો ચાલુ રાખી શકાય.
જોકે, પડકાર હજુ પણ છે કારણ કે ભારતની LNG આયાતનો 60% ભાગ આ જ જોખમી માર્ગ પરથી આવે છે. ભારત પાસે ગેસ માટે કોઈ મોટું 'બફર સ્ટોક' માળખું નથી, જે ચિંતાનો વિષય છે. આથી જ ભારત અત્યારે આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી અને ઓપેક દેશો સાથે સીધી વાટાઘાટો કરી રહ્યું છે. સરકારની સ્પષ્ટ નીતિ છે કે સ્પોટ કાર્ગોની અછત પડે તે પહેલા જ અન્ય સપ્લાયર્સ પાસેથી ઓર્ડર કન્ફર્મ કરી લેવા. ભારતનો આ 'પ્લાન-બી' સાબિત કરે છે કે વૈશ્વિક યુદ્ધની જ્વાળાઓ વચ્ચે પણ દેશની અર્થવ્યવસ્થા અને ઉર્જા જરૂરિયાતોને સુરક્ષિત રાખવા માટે દિલ્હીમાં તૈયારીઓ પૂરજોશમાં છે.
(7:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
