News of Thursday, 5th March 2026
બ્રિટનનો મોટો ઝટકો: ચાર દેશોના વિદ્યાર્થીઓ માટે ‘સ્ટડી વિઝા’ ના દરવાજા બંધ, વિઝા સિસ્ટમના દુરુપયોગ સામે લંડન લાલઘૂમ!
અભ્યાસના બહાને આવીને આશ્રય (Asylum) માંગનારાઓની સંખ્યામાં ૪૭૦% નો તોતિંગ ઉછાળો; અફઘાનિસ્તાન સહિતના દેશો પર પ્રતિબંધ, જાણો ભારત પર શું થશે અસર?

લંડન: વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓના ફેવરિટ ડેસ્ટિનેશન ગણાતા યુનાઇટેડ કિંગડમ (UK) એ એક મોટો અને કડક નિર્ણય લીધો છે. બ્રિટિશ સરકારે અફઘાનિસ્તાન, કેમરૂન, મ્યાનમાર અને સુદાનના નાગરિકો માટે સ્ટડી વિઝા આપવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. એટલું જ નહીં, અફઘાન નાગરિકો માટે વર્ક વિઝા પણ હાલ પૂરતા સ્થગિત કરી દેવામાં આવ્યા છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ વિઝાના નામે થતી છેતરપિંડી અને વધતું જતું ગેરકાયદે સ્થળાંતર છે.
બ્રિટિશ હોમ ઓફિસના ડેટા મુજબ, ૨૦૨૧ થી ૨૦૨૫ ની વચ્ચે આ દેશોના વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસના બહાને યુકેમાં પ્રવેશ મેળવીને બાદમાં ત્યાં 'આશ્રય' (Asylum) મેળવવા માટેની અરજીઓમાં ૪૭૦ ટકાનો ચોંકાવનારો વધારો જોવા મળ્યો છે. સરકારનું માનવું છે કે કેટલાક લોકો શિક્ષણ પ્રણાલીનો ઉપયોગ માત્ર બ્રિટનમાં ઘૂસવા માટેના શોર્ટકટ તરીકે કરી રહ્યા છે, જે વિઝા સિસ્ટમની અખંડિતતા પર જોખમ ઉભું કરે છે.
ગૃહમંત્રીએ આપી કડક ચેતવણી
બ્રિટિશ ગૃહમંત્રી શબાના મહમૂદે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, "બ્રિટન હંમેશા અત્યાચારનો ભોગ બનેલા લોકોની વહારે આવ્યું છે, પરંતુ અમે વિઝા સિસ્ટમનો દુરુપયોગ સહન કરીશું નહીં. કેટલાક લોકો આ સિસ્ટમનો લાભ ઉઠાવીને કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે, જે રોકવા માટે આ કડક પગલું અનિવાર્ય હતું." સરકારી આંકડા દર્શાવે છે કે આશરે ૧.૩૫ લાખ લોકો કાયદેસર રીતે વિઝા લઈને આવ્યા બાદ ત્યાં આશ્રય માંગવાની પ્રક્રિયામાં જોડાયા છે.
વિઝા અરજીઓમાં ૨૦% નો ઘટાડો છતાં ભીંસ વધારી
જોકે, ૨૦૨૫ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા થતી આશ્રયની અરજીઓમાં ૨૦ ટકાનો ઘટાડો નોંધાયો છે, તેમ છતાં બ્રિટિશ સત્તાવાળાઓ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતા નથી. ખાસ કરીને યુદ્ધગ્રસ્ત દેશોમાંથી આવતા લોકો અભ્યાસ પૂરો થયા બાદ પરત જવાને બદલે શરણાર્થી બનવાનું પસંદ કરી રહ્યા છે. આ નિર્ણયથી બ્રિટનની યુનિવર્સિટીઓમાં આ ચાર દેશોના વિદ્યાર્થીઓનો પ્રવેશ હવે અશક્ય બનશે.
(7:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
