<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

મહારાષ્ટ્રમાં ધર્માંતરણ માફિયાઓની ખેર નથી: ફડણવીસ સરકારનું 'બ્રહ્માસ્ત્ર' : કેબિનેટે આપી બિલને મંજૂરી

ગુજરાત અને એમપી કરતાં પણ ખતરનાક હશે નવો કાયદો: બળજબરીથી ધર્મ બદલાવનારાઓની હવે સીધી થશે ધરપકડ : જામીન મળવા પણ થશે મુશ્કેલ: ખેડૂતો માટે પણ લોન માફીનો ઐતિહાસિક નિર્ણય લેવાની સરકારની તૈયારી

મુંબઈ:  મહારાષ્ટ્રની મહાયુતિ સરકારે  એક મોટો રાજકીય માસ્ટરસ્ટ્રોક ખેલતા રાજ્યમાં 'ધર્માંતરણ વિરોધી બિલ'ને કેબિનેટની મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયેલો આ નિર્ણય રાજ્યના સામાજિક માળખાને બદલી નાખનારો સાબિત થશે. મંત્રી નિતેશ રાણેએ આ અંગે આક્રમક નિવેદન આપતા જણાવ્યું કે, આ દેશનો સૌથી કડક કાયદો હશે. હવે જો કોઈ છેતરપિંડી, લાલચ કે બળજબરીથી ધર્માંતરણ કરાવશે, તો તેને જેલના સળિયા પાછળ જવું પડશે. આ ગુનાને 'બિન-જામીનપાત્ર' શ્રેણીમાં રાખવામાં આવ્યો છે, જેનો અર્થ છે કે આરોપીને પકડાયા બાદ તુરંત રાહત નહીં મળે.

હિન્દુત્વવાદી સંગઠનો દ્વારા લાંબા સમયથી ચાલી રહેલી માંગણીનો સ્વીકાર કરતા સરકારે સ્પષ્ટ કર્યું છે કે 'દેવા ભાઉ'ના શાસનમાં હવે ધાર્મિક છેતરપિંડી ચલાવી લેવામાં આવશે નહીં. આ બિલ હવે વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. રાણેએ ગર્વભેર કહ્યું કે, આ કાયદો ગુજરાત અને મધ્યપ્રદેશના મોડેલ કરતા પણ વધુ ઘાતક અને અસરકારક હશે. આ બિલ પસાર થતાની સાથે જ પોલીસને વિશેષ સત્તાઓ મળશે, જેનાથી શંકાસ્પદ ગતિવિધિઓ પર ત્વરિત લગામ લગાવી શકાશે. ટેકનિકલ જોગવાઈઓ મુજબ, ધર્માંતરણ કરાવનાર સંસ્થાઓ અને વ્યક્તિઓ બંને પર કડક દંડ અને જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે.

ધર્માંતરણના કડક કાયદાની સાથે સરકારે ખેડૂતોના દિલ જીતવાનો પણ પ્રયાસ કર્યો છે. કૃષિ મંત્રી દત્તાત્રેય ભરણેએ જાહેરાત કરી છે કે 30 જૂન સુધીમાં રાજ્યના ખેડૂતો માટે લોન માફીનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવશે. એપ્રિલના પ્રથમ સપ્તાહમાં એક હાઈ-લેવલ કમિટી તેનો રિપોર્ટ આપશે, જે બાદ ખેડૂતોના દેવા માફ કરવાની સત્તાવાર જાહેરાત થશે. આ સાથે જ હવામાન અને જીવાતની ચેતવણી જેવી આધુનિક ટેકનોલોજી પણ ખેડૂતોને પૂરી પાડવામાં આવશે. આમ, મહારાષ્ટ્ર સરકારે એક તરફ સામાજિક સુરક્ષા અને બીજી તરફ કૃષિ લોકપ્રિયતાના બેવડા એજન્ડા પર કામ કરવાનું શરૂ કરી દીધું છે.

(7:19 PM IST)