<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

પંજાબ પોલીસના એન્કાઉન્ટરો પર હાઈકોર્ટની ‘સર્જિકલ સ્ટ્રાઈક’: દરેક એન્કાઉન્ટરની વાર્તા એકસરખી કેમ? DGP પાસેથી બે અઠવાડિયામાં મંગાયો રિપોર્ટ

નવેમ્બરથી જાન્યુઆરી વચ્ચે થયેલા ૩૪ એન્કાઉન્ટરોમાં સમાન પેટર્ન જોઈ કોર્ટ સ્તબ્ધ; રણજીત સિંહ કેસમાં પરિવારનો ગંભીર આક્ષેપ - ‘ઘરેથી ઉપાડી જઈ પોલીસ સ્ટેશનમાં કરી હત્યા’

ચંદીગઢ: પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ પોલીસ એન્કાઉન્ટરોની વિશ્વસનીયતા પર હાઈકોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. રણજીત સિંહ એન્કાઉન્ટર કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પોલીસ તંત્રને જોરદાર ઠપકો આપતા સવાલ કર્યો હતો કે, પંજાબમાં થતા દરેક એન્કાઉન્ટરની વાર્તા એકસરખી જ કેમ હોય છે? કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "આપણે આવી ગંભીર બાબતો સામે આંખ આડા કાન કરીને બેસી શકીએ નહીં."

આ સુનાવણીમાં પંજાબના DGP ગૌરવ યાદવ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર થયા હતા. હાઈકોર્ટે નોંધ્યું હતું કે નવેમ્બર ૨૦૨૫ થી જાન્યુઆરી ૨૦૨૬ ના ટૂંકા ગાળામાં જ પંજાબમાં ૩૪ એન્કાઉન્ટરો થયા છે અને આ તમામમાં પોલીસની વાર્તા લગભગ સમાન છે. કોર્ટે DGP ને આ બાબતે ઊંડી તપાસ કરી બે અઠવાડિયામાં વિગતવાર અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો છે.

 

પરિવારના આક્ષેપો અને પોલીસની વાર્તા વચ્ચેનો વિરોધાભાસ

  • પોલીસનો દાવો: પોલીસે રણજીત સિંહને એક ખતરનાક ગુનેગાર ગણાવી દાવો કર્યો હતો કે શસ્ત્રોની રિકવરી દરમિયાન તેણે ભાગવાનો પ્રયાસ કર્યો અને જવાબી કાર્યવાહીમાં તે માર્યો ગયો. પોલીસના મતે તેના સંબંધો પાકિસ્તાન સાથે હતા.
  • પરિવારનો આક્રોશ: રણજીતની માતા સુખજિંદર કૌરે હાઈકોર્ટમાં અરજી કરી છે કે તેમના પુત્રનું ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું અને પોલીસ સ્ટેશનમાં ઢોર માર મારીને તેની હત્યા કરવામાં આવી છે.
  • સળગતા પ્રશ્નો: જો રણજીત પોલીસ કસ્ટડીમાં હતો, તો તેની પાસે મધ્યરાત્રિએ ભાગવા માટે મોટરસાયકલ કે ફોન ક્યાંથી આવ્યા? આ પ્રશ્નોએ પોલીસની થીયરી પર શંકાની સોય તાકી છે.

 

CBI તપાસની માંગ અને આગામી સુનાવણી

રણજીત સિંહના પરિવારે ન્યાયની માંગ સાથે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કર્યો છે. તેઓ આ કેસની તપાસ નિવૃત્ત ન્યાયાધીશ અથવા CBI દ્વારા કરાવવાની માંગ કરી રહ્યા છે. બીજી તરફ DGP એ કોર્ટને જણાવ્યું છે કે એન્કાઉન્ટરની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે અને ગુરદાસપુરના CJM પણ આ મામલે તપાસ કરી રહ્યા છે. હવે આ સમગ્ર વિવાદમાં ૧૭ માર્ચના રોજ થનારી આગામી સુનાવણી પર સૌની નજર ટકેલી છે.

(7:47 PM IST)