<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

ભારતનું આ અનોખું શહેર જ્યાં ટ્રાફિક જામમાં પણ છવાઈ રહે છે ‘પીન ડ્રોપ સાયલન્સ’: હોર્ન વગાડવું અહીં પાપ ગણાય છે, જાણો આઈઝોલની અદભૂત શિસ્ત પાછળનું રહસ્ય

ટ્રાફિક સિગ્નલ કે પોલીસના ડર વગર ચાલે છે હજારો વાહનો; મિઝો સમુદાયની ‘તલાવમંગાઈહના’ પરંપરાએ રસ્તાઓને બનાવ્યા શાંતિના પ્રતીક, વિશ્વભરમાં થઈ રહી છે પ્રશંસા

આઈઝોલ : જ્યારે પણ આપણે ભારતના કોઈ મોટા શહેરના ટ્રાફિક વિશે વિચારીએ ત્યારે કાન ફાડી નાખતા હોર્નના અવાજો અને ઉતાવળમાં એકબીજાને ઓવરટેક કરતા વાહનોના દ્રશ્યો નજર સામે આવે છે. પરંતુ મિઝોરમની રાજધાની આઈઝોલ આ બાબતમાં સમગ્ર દેશ માટે એક મિસાલ છે. સમુદ્ર સપાટીથી ૧,૧૩૨ મીટરની ઊંચાઈએ પહાડોની વચ્ચે વસેલું આ શહેર આજે વિશ્વભરમાં "સાયલન્ટ સિટી" તરીકે પ્રખ્યાત થયું છે. અહીંના રસ્તાઓ સાંકડા છે અને ઘણીવાર લાંબો ટ્રાફિક જામ પણ થાય છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં કોઈ ચાલક હોર્ન વગાડતો નથી.

શું છે ‘તલાવમંગાઈહના’? શિસ્તનું અસલી કારણ

આઈઝોલના લોકોના આ શાંત વર્તન પાછળ કોઈ કાયદો નહીં પણ તેમની સદીઓ જૂની સંસ્કૃતિ જવાબદાર છે, જેને મિઝો ભાષામાં ‘તલાવમંગાઈહના’ (Tlawmngaihna) કહેવામાં આવે છે. આ શબ્દનો અર્થ થાય છે નિઃસ્વાર્થતા અને બીજાને પોતાના કરતા વધારે માન આપવું. આ પરંપરાને કારણે અહીંના ડ્રાઈવરો ક્યારેય ઉતાવળ કરતા નથી. જો કોઈ રાહદારી રસ્તો ક્રોસ કરતું હોય તો ડ્રાઈવરો સામેથી વાહન થોભાવી દે છે. અહીં ટ્રાફિક સિગ્નલની પણ જરૂર પડતી નથી, કારણ કે લોકો સ્વયં શિસ્તબદ્ધ રીતે પોતાની લેનમાં ચાલે છે.

હાઇલેન્ડર્સની ભૂમિ: પ્રકૃતિ અને સંસ્કારનો સંગમ

"હાઇલેન્ડર્સની ભૂમિ" તરીકે ઓળખાતું આઈઝોલ માત્ર તેની શાંતિ માટે જ નહીં પણ તેની નૈસર્ગિક સુંદરતા માટે પણ જાણીતું છે. પર્વતોની હરિયાળી અને પ્રદૂષણમુક્ત હવા પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે. આ શહેરમાં કોઈ ડ્રાઈવર બીજાની આગળ નીકળવા માટે ગેરકાયદેસર ઓવરટેક કરતો નથી. શહેરની આ શિસ્ત જોઈને મેટ્રો સીટીના લોકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે.

આઈઝોલ સાબિત કરે છે કે જો મનમાં સંસ્કાર અને બીજા પ્રત્યે આદર હોય તો કાયદા કે દંડ વગર પણ એક આદર્શ સમાજનું નિર્માણ થઈ શકે છે. ઘોંઘાટ અને માનસિક તાણથી દૂર આ શહેર આજે સાચા અર્થમાં ભારતના નકશા પર એક ‘શાંતિ દ્વીપ’ બની ગયું છે.

 

 

(8:05 PM IST)