News of Thursday, 5th March 2026
વંચિત જિલ્લાઓમાં પોષણની ગંગા વહેશે: નીતિ આયોગ અને યુનિસેફ ઇન્ડિયા વચ્ચે ઐતિહાસિક સમજૂતી; માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે ખભેખભા મિલાવી કરશે કામ
મહત્વાકાંક્ષી બ્લોક્સમાં ‘લાસ્ટ માઇલ ડિલિવરી’ પર મૂકાશે ભાર; કોર્પોરેટ જગતના CSR ફંડનો ઉપયોગ હવે કુપોષણ મુક્ત ભારત બનાવવા માટે થશે

નવી દિલ્હી: ભારતના વિકાસની દોડમાં પાછળ રહી ગયેલા મહત્વાકાંક્ષી જિલ્લાઓ (Aspirational Districts) અને બ્લોક્સમાં આરોગ્યની સ્થિતિ સુધારવા માટે નીતિ આયોગે યુનિસેફ (UNICEF) ઇન્ડિયા સાથે હાથ મિલાવ્યા છે. આજે નવી દિલ્હી ખાતે બંને સંસ્થાઓએ એક મહત્વપૂર્ણ 'સ્ટેટમેન્ટ ઓફ ઇન્ટેન્ટ' (SOI) પર હસ્તાક્ષર કર્યા છે. આ સમજૂતીનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના સૌથી પછાત વિસ્તારોમાં પોષણ અને આરોગ્યના પરિણામોને વધુ મજબૂત અને અસરકારક બનાવવાનો છે.
આ પ્રસંગે નીતિ આયોગના અધિક સચિવ અને મિશન ડિરેક્ટર રોહિત કુમારે જણાવ્યું હતું કે, યુનિસેફ જેવી અનુભવી સંસ્થા સાથેની ભાગીદારીથી હાઈ-પ્રાયોરિટી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં મોટી મદદ મળશે. આ સહયોગ દ્વારા ‘લાસ્ટ માઇલ ડિલિવરી’ એટલે કે જે ગામોમાં હજુ પણ મૂળભૂત સુવિધાઓની અછત છે, ત્યાં સુધી પોષણયુક્ત આહાર અને રસીકરણ જેવી સેવાઓ ચોક્કસપણે પહોંચાડવામાં આવશે.
કેવી રીતે કામ કરશે આ નવી વ્યવસ્થા?
- તકનીકી કુશળતા: યુનિસેફ ઇન્ડિયા પોતાની વૈશ્વિક તકનીકી કુશળતા અને ડેટાનો ઉપયોગ કરીને પોષણલક્ષી અભિયાનોમાં વૈજ્ઞાનિક અભિગમ પૂરો પાડશે.
- CSR રોકાણ: આ ભાગીદારી હેઠળ જાહેર ક્ષેત્રના એકમો (PSUs), ખાનગી વ્યવસાયો અને ઉદ્યોગ સંગઠનોના 'કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી' (CSR) ફંડને પોષણલક્ષી પહેલોમાં વાળવામાં આવશે.
- માતા અને બાળ સુરક્ષા: ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ અને શિશુઓમાં કુપોષણની સમસ્યા દૂર કરવા માટે બ્લોક લેવલ પર માઇક્રો-પ્લાનિંગ કરવામાં આવશે.
આ વ્યૂહાત્મક ભાગીદારીથી દેશના અંદાજે ૧૧૨થી વધુ મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને સેંકડો બ્લોક્સના લાખો પરિવારોને સીધો ફાયદો થશે. નીતિ આયોગ અને યુનિસેફનો સંયુક્ત પ્રયાસ છે કે ભારતનો કોઈપણ વિસ્તાર પોષણ અને આરોગ્યના માપદંડોમાં પાછળ ન રહે. આ સહયોગ માત્ર સરકારી યોજનાઓ પૂરતો મર્યાદિત ન રહેતા, એક જન-આંદોલન બનીને કુપોષણ સામેની જંગમાં ભારતને વિજય અપાવશે.
(8:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
