News of Thursday, 5th March 2026
હિમાલયના ખોળે લોકશાહીનો મહાકુંભ: નેપાળમાં પ્રતિનિધિ સભાની ચૂંટણી માટે શાંતિપૂર્ણ મતદાન સંપન્ન; ૩,૪૦૦થી વધુ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ
દોલખા અને રૌતહટમાં સામાન્ય ઘર્ષણ સિવાય સમગ્ર દેશમાં ભારે મતદાન; ૧.૪૯ લાખ ચૂંટણી પોલીસ અને નેપાળી સેનાના સજ્જડ બંદોબસ્ત વચ્ચે જનતાએ બતાવ્યો પાવર

કાઠમંડુ: નેપાળમાં આજે પ્રતિનિધિ ગૃહ (સંસદના નીચલા ગૃહ) ના સભ્યોની ચૂંટણી માટે દેશભરમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. સવારના ૭ વાગ્યાથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી, જેમાં વરિષ્ઠ નાગરિકો, ગર્ભવતી મહિલાઓ અને દિવ્યાંગોએ પણ અદભૂત ઉત્સાહ દાખવીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સાંજે ૫ વાગ્યે મતદાન પૂર્ણ થતાની સાથે જ સુરક્ષાકર્મીઓની હાજરીમાં મતપેટીઓ સીલ કરી દેવામાં આવી હતી.
ચૂંટણી દરમિયાન દોલખા, સરલાહી અને રૌતહટ જેવા કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વિવાદો અને સામાન્ય ઘર્ષણના બનાવો સામે આવ્યા હતા, પરંતુ વહીવટીતંત્રે ત્વરિત કાર્યવાહી કરીને મામલો થાળે પાડ્યો હતો. આ સિવાય સમગ્ર દેશમાં મતદાન પ્રક્રિયા નિર્વિઘ્ન રીતે ચાલી હતી.
આંકડાની નજરે નેપાળની ચૂંટણી:
- બેઠકો અને ઉમેદવારો: ૧૬૫ સીધી બેઠકો માટે કુલ ૩,૪૦૬ ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં ૩૮૮ મહિલાઓ અને એક અન્ય જાતિના ઉમેદવારનો સમાવેશ થાય છે. જ્યારે ૧૧૦ બેઠકો પ્રમાણસર પ્રતિનિધિત્વ પ્રણાલી હેઠળ ભરવામાં આવશે.
- મતદારોનો આંકડો: ચૂંટણી પંચ મુજબ કુલ ૧.૦૮ કરોડથી વધુ મતદારો નોંધાયા હતા, જેમાં પુરુષ મતદારોની સંખ્યા ૯૬ લાખથી વધુ હતી.
- સુરક્ષા કવચ: શાંતિ જાળવવા માટે નેપાળી સેનાના ૭૯,૭૨૭ જવાનો, નેપાળ પોલીસના ૭૫,૭૯૭ જવાનો અને અંદાજે ૧.૪૯ લાખ કામચલાઉ ચૂંટણી પોલીસ તૈનાત કરવામાં આવી હતી.
નેપાળની આ ચૂંટણી માત્ર સ્થાનિક રાજકારણ માટે જ નહીં, પરંતુ ભારત સહિતના પડોશી દેશો સાથેના સંબંધોની દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વની છે. 'ફર્સ્ટ-પાસ્ટ-ધ-પોસ્ટ' સિસ્ટમ હેઠળ લડાયેલી આ ચૂંટણીમાં ૬૫ રાજકીય પક્ષોએ પોતાના નસીબ અજમાવ્યા છે. હવે સૌની નજર મતગણતરી પર ટકેલી છે, જે નક્કી કરશે કે કાઠમંડુની ગાદી પર હવે કોણ બિરાજશે.
(8:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
