News of Thursday, 5th March 2026
હિંદ મહાસાગર બન્યું રણમેદાન: અમેરિકન હુમલા બાદ વધુ એક ઈરાની યુદ્ધ જહાજ મધદરિયે ફસાયું : શ્રીલંકા પાસે માંગી મદદ
અમેરિકન સબમરીને 'IRIS DENA' ને ટોર્પિડો કરી દરિયામાં ગરકાવ કર્યા બાદ બીજા ઈરાની જહાજ પર તોળાતું જોખમ: વિશાખાપટ્ટનમથી પરત ફરતી વખતે અમેરિકાએ કર્યો હતો ભીષણ હુમલા

કોલંબો: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ જંગની અસરો હવે ભારતના પડોશી દેશ શ્રીલંકાના દરિયાકાંઠા સુધી પહોંચી ગઈ છે. હિંદ મહાસાગરમાં અમેરિકન સબમરીન દ્વારા ઈરાની યુદ્ધ જહાજ 'IRIS DENA' ને ટોર્પિડો વડે તોડી પાડ્યા બાદ હવે અન્ય એક ઈરાની યુદ્ધ જહાજ આંતરરાષ્ટ્રીય જળસીમામાં ફસાઈ ગયું છે. આ જહાજે જીવ બચાવવા માટે શ્રીલંકા સરકાર પાસે તાત્કાલિક મદદની ગુહાર લગાવી છે અને તેમના દરિયાઈ ક્ષેત્રમાં પ્રવેશવાની પરવાનગી માંગી છે. શ્રીલંકાના મંત્રી નલિન્દા જયતિસ્સાએ સંસદમાં પુષ્ટિ કરી છે કે આ જહાજ હાલમાં શ્રીલંકાના એક્સક્લુઝિવ ઈકોનોમિક ઝોન ની બહાર રાહ જોઈ રહ્યું છે અને માનવતાના ધોરણે તેમને મદદ કરવા અંગે સરકાર ગંભીરતાથી વિચારી રહી છે.
આ ઘટનાક્રમ ત્યારે શરૂ થયો જ્યારે બુધવારે અમેરિકાએ ઈરાન સામે સીધી સૈન્ય કાર્યવાહી કરતા તેના શક્તિશાળી જહાજને દરિયામાં ડૂબાડી દીધું હતું. આ હુમલામાં 84 ઈરાની ખલાસીઓના મોત થયા છે, જેમના મૃતદેહોને શ્રીલંકાની નૌકાદળે બહાર કાઢ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે જે જહાજ પર હુમલો થયો, તે ભારતના વિશાખાપટ્ટનમ ખાતે એક સૈન્ય કવાયત પૂર્ણ કરીને પરત ફરી રહ્યું હતું. અમેરિકન સંરક્ષણ સચિવ પીટ હેગસેથે આ હુમલાની પુષ્ટિ કરતા વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે. હાલમાં 80 થી વધુ ઈરાની જવાનોના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ ગાલેની હોસ્પિટલમાં ચાલી રહ્યું છે, જ્યારે બચી ગયેલા ઈજાગ્રસ્ત ખલાસીઓની સારવાર પણ ત્યાં જ કરવામાં આવી રહી છે.
દક્ષિણ એશિયાના દરિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચેના આ સીધા મુકાબલાએ પ્રાદેશિક શાંતિ સામે મોટું જોખમ ઊભું કર્યું છે. શ્રીલંકાના વિપક્ષી નેતા સાજીત પ્રેમદાસાએ આ મામલે સરકાર પાસે સ્પષ્ટતા માંગી છે, કારણ કે બીજા ઈરાની જહાજને આશ્રય આપવો શ્રીલંકાને અમેરિકા સાથેના વિવાદમાં ધકેલી શકે છે. શ્રીલંકા અત્યારે અત્યંત સાવધાનીપૂર્વક હસ્તક્ષેપ કરી રહ્યું છે જેથી માનવતાવાદી સહાય પણ પૂરી પાડી શકાય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ મોટું રાજદ્વારી સંકટ ન સર્જાય. હિંદ મહાસાગરમાં વધી રહેલી આ લશ્કરી હિલચાલ ભારત માટે પણ વ્યૂહાત્મક દૃષ્ટિએ ચિંતાનો વિષય બની છે.
(9:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
