News of Thursday, 5th March 2026
સફેદ કોલર ગુનેગારોનો કાળો કારોબાર: ₹641 કરોડના સાયબર કૌભાંડમાં બે દિગ્ગજ CA સહિત 10ની ધરપકડ
ઓનલાઈન નોકરી અને રોકાણના બહાને દેશભરના હજારો લોકોને લૂંટતી હાઈ-ટેક સિન્ડિકેટનો પર્દાફાશ: દિલ્હીથી દુબઈ સુધી ફેલાયેલું હતું છેતરપિંડીનું નેટવર્ક, શેલ કંપનીઓ અને ક્રિપ્ટોકરન્સીના માધ્યમથી કાળી કમાણી વિદેશ ભેગી કરી: EDની કાર્યવાહીમાં ₹8.67 કરોડની મિલકત જપ્ત

નવી દિલ્હી: દેશમાં સાયબર છેતરપિંડીનો એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે તપાસ એજન્સીઓને પણ ચોંકાવી દીધી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ ₹641 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર કૌભાંડમાં બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) અશોક કુમાર શર્મા અને ભાસ્કર યાદવ સહિત કુલ 10 લોકોની ધરપકડ કરી છે. આ માસ્ટર માઈન્ડ્સે સામાન્ય લોકોને ઓનલાઈન નોકરીઓ અને ઊંચા વળતરની લાલચ આપીને શિકાર બનાવ્યા હતા. 28 ફેબ્રુઆરી, 2026ના રોજ PMLA હેઠળ કરાયેલી આ ધરપકડ બાદ જાણવા મળ્યું છે કે આ ટોળકીમાં અત્યંત શિક્ષિત વ્યાવસાયિકો સામેલ હતા, જેઓ કાયદાની છટકબારીઓનો ઉપયોગ કરીને મની લોન્ડરિંગનું મોટું નેટવર્ક ચલાવી રહ્યા હતા.
તપાસમાં ખુલાસો થયો છે કે છેતરપિંડીના આ પૈસા છુપાવવા માટે દિલ્હીના બિજવાસન વિસ્તારમાં 20 થી વધુ શેલ (બોગસ) કંપનીઓ ઉભી કરવામાં આવી હતી. લોકોના લોહી-પરસેવાની કમાણી પહેલા વિવિધ 'મ્યુલ' બેંક ખાતાઓમાં જમા કરવામાં આવતી અને ત્યારબાદ તેને લેયરિંગ દ્વારા વિદેશ મોકલવામાં આવતી હતી. આ સિન્ડિકેટે યુએઈ સ્થિત ફિનટેક કંપની 'PYYPA' ના પ્રીપેડ કાર્ડ વોલેટનો ઉપયોગ કરીને પૈસા દુબઈ ટ્રાન્સફર કર્યા હતા. ત્યાંથી આ રકમને ક્રિપ્ટોકરન્સીમાં ફેરવીને અલગ-અલગ ડિજિટલ વોલેટમાં છુપાવી દેવામાં આવી હતી, જેથી તપાસ એજન્સીઓ પૈસાનો પીછો ન કરી શકે.
ED એ આ કેસમાં અત્યાર સુધીમાં ₹8.67 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. ધરપકડ કરાયેલા બંને CA અગાઉ ફરાર થઈ ગયા હતા અને ધરપકડથી બચવા માટે કોર્ટમાં આગોતરા જામીન મેળવવા મથામણ કરી હતી, પરંતુ નિષ્ફળતા મળતા આખરે તેમણે શરણાગતિ સ્વીકારવી પડી હતી. સ્પેશિયલ PMLA કોર્ટે આ મામલે દાખલ કરાયેલી બે ફરિયાદોની ગંભીર નોંધ લીધી છે. આ કેસ એ વાતની સાબિતી છે કે હવે સાયબર ગુનેગારો માત્ર અભણ ઠગ નથી, પરંતુ પ્રોફેશનલ ડિગ્રી ધરાવતા લોકો પણ ટેકનોલોજીનો દુરુપયોગ કરી દેશની આર્થિક સુરક્ષાને જોખમમાં મૂકી રહ્યા છે.
(9:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
