News of Thursday, 5th March 2026
વાયરલ થયેલા ક્રૂડ ઓઇલ રિઝર્વના આંકડાઓનું સત્ય: શું ભારત પાસે માત્ર ૨૫ દિવસનું જ ક્રૂડ ઓઇલ બચ્યું છે?
વાયરલ દાવો ભ્રામક છે: સરકારના જણાવ્યા મુજબ ભારત પાસે ૭૪ દિવસ ચાલે તેટલો પૂરતો પેટ્રોલિયમ ભંડાર છે

સોશિયલ મીડિયા પર હાલમાં કેટલાક સ્ક્રીનશોટ અને દાવાઓ વાયરલ થઈ રહ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત પાસે માત્ર ૨૫ દિવસ ચાલે તેટલો જ ક્રૂડ ઓઇલ (કાચા તેલ) નો સ્ટ્રેટેજિક ભંડાર છે. જોકે, મીડિયા અહેવાલો અને ભારત સરકારના સત્તાવાર આંકડાઓનું વિશ્લેષણ કરતા માલુમ પડે છે કે આ દાવો અર્ધસત્ય અને ભ્રામક છે. વાસ્તવમાં ભારત પાસે ઓઇલ માર્કેટિંગ કંપનીઓનો કોમર્શિયલ સ્ટોક અને ઇમરજન્સી રિઝર્વ બંને મળીને કુલ ૭૪ દિવસ ચાલે તેટલો ઇંધણનો ભંડાર ઉપલબ્ધ છે.
* વાયરલ દાવો શું છે?: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' (અગાઉ ટ્વિટર) પર 'યુએસએ આર્મી કમાન્ડ' અને 'વર્લ્ડ અફેર્સ' જેવા એકાઉન્ટ્સ દ્વારા દેશવાર ક્રૂડ ઓઇલના ઇમરજન્સી ભંડારના આંકડા દર્શાવતી પોસ્ટ વાયરલ થઈ છે.
* આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકા પાસે ૨૦૦ દિવસ, જાપાન પાસે ૨૬૦ દિવસ, દક્ષિણ કોરિયા પાસે ૨૧૦ દિવસ, ચીન પાસે ૧૦૪ દિવસ અને પાકિસ્તાન પાસે માત્ર ૩ દિવસનો ક્રૂડ ઓઇલનો સ્ટોક બચ્યો છે. આ જ યાદીમાં ભારત પાસે માત્ર ૨૫ દિવસનો જ સ્ટોક હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
* શું છે આંકડાઓનું સત્ય?: હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ, ઇન્ડસ્ટ્રીના કેટલાક સૂત્રો ખરેખર એવું માને છે કે ભારત પાસે ૨૦ થી ૨૫ દિવસના વપરાશ જેટલું જ ક્રૂડ રિઝર્વ છે અને જાપાન તથા દક્ષિણ કોરિયા પાસે અનુક્રમે ૨૫૪ અને ૨૦૮ દિવસનો મોટો ભંડાર છે. જોકે, વાયરલ આંકડાઓ ભારતનું સંપૂર્ણ ચિત્ર રજૂ કરતા નથી કારણ કે તેમાં માત્ર ચોક્કસ પ્રકારના જ રિઝર્વની ગણતરી કરવામાં આવી છે.
* સરકારનો ખુલાસો: તાજેતરમાં મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા તણાવ અને હોર્મુઝની સામુદ્રધુનીમાં ઉભા થયેલા સંકટ વચ્ચે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ સ્પષ્ટ કર્યું છે કે ભારત પાસે ટૂંકા ગાળાના સપ્લાય અવરોધોને પહોંચી વળવા માટે ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પેદાશોનો પૂરતો ભંડાર છે.
* સરકારી આંકડાઓ અનુસાર, દેશનો કુલ પેટ્રોલિયમ સંગ્રહ ૭૪ દિવસની જરૂરિયાત પૂરી કરી શકે તેટલો છે.
* આ ૭૪ દિવસના સ્ટોકનું વિભાજન આ મુજબ છે: ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓ.એમ.સી.) પાસે ૬૪.૫ દિવસનો કોમર્શિયલ સ્ટોક છે અને અંડરગ્રાઉન્ડ ઇન્ડિયન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ (આઇ.એસ.પી.આર.) પાસે ૯.૫ દિવસનો વધારાનો ઇમરજન્સી સ્ટોક છે.
* 'એએનઆઇ' (એશિયન ન્યૂઝ ઇન્ટરનેશનલ) ના અહેવાલ મુજબ, સરકારી સૂત્રોએ પણ જણાવ્યું છે કે ભારત પાસે ૨૫ દિવસનું ક્રૂડ ઓઇલ અને બીજા ૨૫ દિવસ ચાલે તેટલો પેટ્રોલ-ડીઝલનો સ્ટોક છે, એટલે કે કુલ મળીને ૮ અઠવાડિયા (લગભગ ૫૦ થી વધુ દિવસ) નો ભંડાર છે.
* આ ઉપરાંત, ભારત તેના કુલ ક્રૂડ આયાતના માત્ર ૪૦ ટકા જ હોર્મુઝની સામુદ્રધુની દ્વારા મંગાવે છે, જ્યારે બાકીનો ૬૦ ટકા હિસ્સો અન્ય સુરક્ષિત સ્ત્રોતોમાંથી આવે છે. જોકે હવે હોર્મોઝ સમુદ્ર ધોની થી ભારતને ક્રૂડ ઓઇલ લાવવા લાવવા લઈ જવાની ઈરાને છૂટ આપી દીધી છે.
* ભારત જૂના કરારો મુજબ રશિયા પાસેથી પણ સતત તેલ મંગાવી રહ્યું છે, જે એક વધારાની સુરક્ષા પૂરી પાડે છે.
(9:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
