<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

શરમજનક ઘટના: શ્રીલંકાની ગોલ્ડન ક્રાઉન હોટલમાં મહિલા સ્ટાફ સાથે ગેરવર્તણૂક કરવા બદલ પાકિસ્તાની ક્રિકેટરને દંડ

મહિલા કર્મચારીએ બૂમાબૂમ કરી મદદ માંગતા હોટલના અન્ય કર્મચારીઓ બચાવ માટે દોડી આવેલ: ગેરવર્તણૂક મામલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) દ્વારા ખેલાડી સામે વધુ આકરા પગલાં લેવાની શક્યતા

ડિજિટલ મીડિયા અને ટેલિકોમ એશિયા સ્પોર્ટના અહેવાલો અનુસાર, શ્રીલંકાના કેન્ડીમાં આવેલી ગોલ્ડન ક્રાઉન હોટલમાં પાકિસ્તાન ટી-૨૦ વર્લ્ડ કપ સ્ક્વોડના એક ખેલાડીએ મહિલા હાઉસકીપિંગ સ્ટાફ સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. આ ઘટના શ્રીલંકા સામેની સુપર એઈટ મેચ પહેલા બની હતી. મહિલા કર્મચારીએ બૂમાબૂમ કરી મદદ માંગતા હોટલના અન્ય કર્મચારીઓએ આવીને વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. ત્યારબાદ આ સમગ્ર ઘટનાની જાણ પાકિસ્તાન ટીમના મેનેજર નવીદ ચીમાને કરવામાં આવી હતી. હોટલ મેનેજમેન્ટ આ ખેલાડી સામે કડક કાર્યવાહી કરવા માંગતું હતું, પરંતુ નવીદ ચીમાએ હોટલ મેનેજમેન્ટની માફી માંગી હતી અને ખેલાડીને દંડ ફટકારી મામલો અંદરખાને પતાવ્યો હતો. ન્યૂઝ અલ્જેબ્રાએ આ ઘટનાને પાકિસ્તાન માટે 'ગ્લોબલ એમ્બરેસમેન્ટ' (વૈશ્વિક શરમ) ગણાવી છે.

 

શ્રીલંકામાં મહિલા સ્ટાફ સાથે ગેરવર્તણૂકના મામલામાં ભલે મેનેજર નવીદ ચીમાએ માફી માંગીને અત્યારે વિવાદ શાંત પાડ્યો હોય, પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) આ મુદ્દે આકરા પગલાં લઈ શકે છે. અહેવાલો મુજબ, ખેલાડીનું નામ હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ પાકિસ્તાન પરત ફર્યા બાદ તેને પીસીબીની શિસ્ત સમિતિ સમક્ષ હાજર થવું પડી શકે છે અને તેના પર વધુ શિસ્તભંગના પગલાં લેવાઈ શકે છે. ટી-૨૦ વર્લ્ડ કપના સુપર એઈટ રાઉન્ડમાંથી પાકિસ્તાનની શરમજનક વિદાય બાદ તરત જ સામે આવેલા આ વિવાદે પાકિસ્તાન ક્રિકેટ ટીમ અને મેનેજમેન્ટની મુશ્કેલીઓમાં મોટો વધારો કર્યો છે.

(10:21 PM IST)