<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

સંસદમાં પવાર પરિવારનો 'પાવર' શો: દાદા, પુત્રી અને પૌત્ર ત્રણેય પેઢીઓ હવે એકસાથે ગજવશે દિલ્હી!

અજિત પવારના અવસાન બાદ બદલાયા સમીકરણો: રાજ્યસભામાં શરદ પવાર અને પાર્થ પવારની એન્ટ્રી નક્કી : લોકસભામાં સુપ્રિયા સુલેનો દબદબો : પવાર પરિવારની ત્રણ પેઢીઓ એક જ સમયે સંસદના બંને ગૃહોમાં દેખાશે

મુંબઈ:  મહારાષ્ટ્રના રાજકારણના 'ભીષ્મ પિતામહ' ગણાતા શરદ પવાર અને તેમના પરિવાર માટે દિલ્હીની ગાદી હવે એક પારિવારિક ગઢ બનવા જઈ રહી છે. તાજેતરના નામાંકન બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે પવાર પરિવારની ત્રણ અલગ-અલગ પેઢીઓ હવે સંસદમાં એકસાથે જોવા મળશે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અકાળ અવસાનથી સર્જાયેલી શૂન્યાવકાશને ભરવા માટે તેમના પુત્ર પાર્થ પવારને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય લેવાયો છે. બીજી તરફ, શરદ પવારની પ્રચંડ રાજકીય પ્રતિષ્ઠાને માન આપીને તેમને પણ રાજ્યસભા માટે ફરીથી નામાંકિત કરાયા છે. આ એક દુર્લભ સંયોગ છે જ્યાં દાદા (શરદ પવાર) અને પૌત્ર (પાર્થ પવાર) એક જ ગૃહમાં સાથે બેસશે.

આ રાજકીય સફર એટલી સરળ નહોતી. ૨૦૧૯ માં જ્યારે પાર્થ પવારે માવલ બેઠક પરથી નસીબ અજમાવ્યું હતું, ત્યારે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે શરદ પવારે પોતે ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો હતો જેથી પરિવારમાં સત્તાના ટકરાવને ટાળી શકાય. જોકે, સમયના ચક્રએ એવી પલટી મારી કે અજિત પવારના નિધન બાદ ઉભી થયેલી સહાનુભૂતિની લહેરે પાર્થ માટે સંસદના દ્વાર ખોલી દીધા છે. વિરોધ પક્ષોએ પણ શરદ પવારના આદરમાં પોતાનો ઉમેદવાર ન ઉતારીને આ રસ્તો વધુ સાફ કરી દીધો છે. હવે સ્થિતિ એવી છે કે શરદ પવાર અને પાર્થ પવાર રાજ્યસભામાં અવાજ ઉઠાવશે, જ્યારે શરદ પવારના પુત્રી સુપ્રિયા સુલે લોકસભામાં મોરચો સંભાળશે.

પવાર પરિવારની આ 'ટ્રિપલ એન્ટ્રી' થી મહારાષ્ટ્રના રાજકારણમાં નવો અધ્યાય શરૂ થયો છે. અજિત પવાર જૂથે પાર્થને મેદાનમાં ઉતારીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ પક્ષ અને પરિવારના વારસાને જાળવી રાખવા મક્કમ છે. NCPના બંને જૂથોના વિલીનીકરણની અટકળો વચ્ચે પાર્થનું નામાંકન એક નવી રણનીતિ તરફ ઈશારો કરે છે. સંસદના બંને ગૃહોમાં એક જ પરિવારના ત્રણ સભ્યોની હાજરી માત્ર પવાર પરિવારની મજબૂતી જ નહીં, પરંતુ રાષ્ટ્રીય રાજકારણમાં તેમના અવિરત પ્રભાવને પણ સાબિત કરે છે. આગામી દિવસોમાં દિલ્હીના ગલિયારાઓમાં પવાર પરિવારની આ 'થ્રી જનરેશન' જોડી આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

(10:23 PM IST)