News of Friday, 6th March 2026
અનિલ અંબાણીને ઝટકોઃ મુંબઈથી હૈદરાબાદ સુધી રિલાયન્સ પાવર પર દરોડા
૪૦,૦૦૦ કરોડના બેંક લોન કૌભાંડમાં ED ની મોટી કાર્યવાહી : રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને પાવર લિમિટેડના નાણાકીય વ્યવહારોની ઊંડી તપાસ માટે ૧૨થી વધુ સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ

મુંબઈ, તા.૬: ઈડીએ ઉદ્યોગપતિ અનિલ અંબાણીની માલિકીની રિલાયન્સ પાવર લિમિટેડ સામે મની લોન્ડરિંગના ગંભીર આરોપો હેઠળ મુંબઈ અને હૈદરાબાદના અંદાજે ૧૨ સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી માત્ર ઓફિસ પરિસરો સુધી સીમિત નથી, પરંતુ કંપનીના ઉચ્ચ અધિકારીઓ અને સહયોગીઓના રહેણાંક વિસ્તારોમાં પણ તપાસની ટીમો ત્રાટકી છે. આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય રિલાયન્સ પાવર દ્વારા કરવામાં આવેલા શંકાસ્પદ નાણાકીય વ્યવહારો અને કરોડો રૂપિયાના ફંડ ટ્રાન્સફરના પુરાવા એકત્રિત કરવાનો છે.
આ તપાસનો મુખ્ય દોર રૂ.૪૦,૦૦૦ કરોડના બેંક લોન કૌભાંડ સાથે જોડાયેલો છે, જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને યસ બેંક સહિતની અનેક ભારતીય બેંકોના નાણાં દાવ પર લાગેલા છે. તપાસમાં બહાર આવ્યું છે કે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ દ્વારા લેવામાં આવેલી લોનનો મોટો હિસ્સો નિયમો વિરુદ્ધ જઈને અન્ય સહયોગી કંપનીઓ અને વિદેશી બેંક ખાતાઓમાં વાળવામાં આવ્યો હતો. આ મામલે CBI દ્વારા ૨૦૧૯માં નોંધાયેલી FIRને આધારે ED હવે મની લોન્ડરિંગના પાસાઓની તપાસ કરી રહી છે. ચીનની સરકારી બેંકોનું પણ આ કેસમાં રૂ.૧૩,૦૦૦ કરોડથી વધુનું એક્સપોઝર હોવાથી આ તપાસ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મહત્વની બની ગઈ છે. અનિલ અંબાણી માટે આ સમય અત્યંત કપરો સાબિત થઈ રહ્યો છે, કારણ કે ગયા મહિને જ તપાસ એજન્સીએ તેમના મુંબઈ સ્થિત રૂ.૩,૫૦૦ કરોડના આલીશાન બંગલા એબોડને અસ્થાયી રૂપે જપ્ત કર્યો હતો. અત્યાર સુધીમાં અંબાણી ગ્રુપની કુલ રૂ.૧૫,૭૦૦ કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આદેશથી બનેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ હાલમાં દરેક ટ્રાન્ઝેક્શનની ક્રોસ-વેરિફિકેશન કરી રહી છે. આ દરોડા બાદ જપ્ત કરાયેલા દસ્તાવેજો અને ડિજિટલ ડેટા પરથી આગામી દિવસોમાં અનિલ અંબાણીની મુશ્કેલીઓમાં મોટો વધારો થવાની પૂરેપૂરી શકયતા જણાઈ રહી છે.
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
