<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

નીતીશ કુમારે શરૂ કરી નવી 'રાજરમત': રાજ્યસભા જતા પૂર્વે ભાજપ પાસે ગૃહ મંત્રાલયની માંગ: બિહારના રાજકારણમાં મોટો વળાંક

બિહારમાં સત્તા પરિવર્તન ટાણે નવી ખેંચતાણ: શું ભાજપ જેડીયુની શરત સ્વીકારશે? જો ભાજપ આ મંત્રાલય પાછું આપે છે, તો નવા મુખ્યમંત્રીની સત્તા અડધી થઈ જવાની ભીતિ

પટણા: બિહારના રાજકારણમાં મોટો વળાંક આવ્યો છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે રાજ્યસભામાં જવા માટે નામાંકન ભરવાની સાથે જ શક્તિશાળી ગૃહ મંત્રાલય ફરીથી જેડીયુને સોંપવાની શરત રાખીને ભાજપની મુશ્કેલી વધારી દીધી છે.

 

બિહારની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. મળતા અહેવાલો મુજબ, મુખ્યમંત્રી નીતીશ કુમારે કેન્દ્રની રાજનીતિમાં જવા એટલે કે રાજ્યસભામાં પ્રવેશવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરંતુ, દિલ્હી જતા પહેલા તેમણે પોતાની રાજકીય ચાલ રમતા ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સામે એક મોટી શરત મૂકી દીધી છે. પ્રાપ્ત સત્તાવાર વિગતો અનુસાર, નીતીશ કુમાર અને જનતા દળ યુનાઈટેડ (જેડીયુ) એ રાજ્યની કાયદો અને વ્યવસ્થાનું સંચાલન કરતા અત્યંત મહત્વપૂર્ણ એવા ગૃહ વિભાગ પર ફરીથી દાવો ઠોક્યો છે.

 

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૨૦ વર્ષથી એનડીએ ગઠબંધનની સરકારમાં આ મંત્રાલય નીતીશ કુમાર પાસે જ રહેતું હતું. જોકે, તાજેતરની વિધાનસભા ચૂંટણી બાદ સત્તા સમીકરણો બદલાતા આ શક્તિશાળી વિભાગ ભાજપના નેતા સમ્રાટ ચૌધરીના ફાળે ગયો હતો. આ બાબતે જેડીયુના નેતાઓમાં લાંબા સમયથી આંતરિક અસંતોષ ધૂંધવાઈ રહ્યો હતો. હવે જ્યારે ભાજપ પોતાનો મુખ્યમંત્રી બનાવવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે નીતીશ કુમારની આ મોટી માંગે ભાજપની છાવણીમાં ભારે ચિંતા જગાવી છે.

 

નીતીશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણય બાદ બિહારમાં નવા મુખ્યમંત્રી અને સત્તાની વહેંચણીને લઈને ભાજપ અને જેડીયુ વચ્ચે આંતરિક ખેંચતાણ શરૂ થઈ છે, જેમાં આ ગૃહ વિભાગ મુખ્ય મુદ્દો બન્યો છે.

 

વિવિધ ડિજિટલ મીડિયાના વિસ્તૃત અહેવાલો અનુસાર, ૭૫ વર્ષીય નીતીશ કુમારે તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં પટના ખાતે રાજ્યસભા માટે પોતાનું ઉમેદવારી પત્ર નોંધાવ્યું છે. આ સાથે જ તેમના ૨૦ વર્ષના મુખ્યમંત્રી પદના ઐતિહાસિક કાર્યકાળનો અંત આવવા જઈ રહ્યો છે. આ સ્થિતિમાં, ભાજપ બિહારમાં પોતાનો નવો મુખ્યમંત્રી બેસાડવાની પૂરી તૈયારી કરી રહ્યું છે.

 

પરંતુ, જેડીયુ દ્વારા અચાનક ગૃહ મંત્રાલય પાછું માંગવામાં આવતા એનડીએ ગઠબંધનમાં નવી રકઝક શરૂ થઈ છે. રાજકીય નિષ્ણાતો માને છે કે, ગૃહ વિભાગ પર નિયંત્રણ હોવાથી રાજ્યની પોલીસ અને જેલ પ્રશાસન પર સીધી પકડ રહે છે, તેથી જ જેડીયુ તેને જાળવી રાખવા માંગે છે. 

 

જો ભાજપ આ મંત્રાલય પાછું આપે છે, તો નવા મુખ્યમંત્રીની સત્તા અડધી થઈ જવાની ભીતિ છે. આગામી દિવસોમાં બિહારની રાજનીતિ કઈ નવી દિશામાં જશે અને ભાજપ આ શરતનો શું ઉકેલ લાવશે, તેના પર સૌની નજર મંડાયેલી છે.

 

 

(11:13 AM IST)