<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

દુબઈ અને અબુ ધાબીના પ્રોપર્ટી માર્કેટમાં મોટો કડાકો સર્જાવાની ભીતિ

ભૌગોલિક રાજકીય તણાવ અને ઓવરસપ્લાયને કારણે કિંમતોમાં ૨૦% સુધીનો ઘટાડો સંભવ: ન્યુઝ ફર્સ્ટ

 

રાજકોટ: અમેરિકા અને યુરોપના રોકાણકારો દ્વારા પીછેહઠ અને સ્થાનિક સ્તરે પ્રોપર્ટીના વધુ પડતા સપ્લાયને કારણે દુબઈ અને અબુ ધાબીમાં પ્રોપર્ટીની કિંમતો ૨૦% જેટલી ઘટી શકે તેવી શક્યતા ચર્ચાઈ રહી છે.

 

મધ્ય પૂર્વમાં ચાલી રહેલી ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતા અને તણાવની સીધી અસર દુબઈ અને અબુ ધાબીના રિયલ એસ્ટેટ માર્કેટ પર જોવા મળી રહી છે. અમેરિકા અને યુરોપમાંથી આવતા સંસ્થાકીય અને રિટેલ રોકાણો હાલ પૂરતા થંભી ગયા છે. યુદ્ધ જેવી સ્થિતિને પગલે ઘણા ખરીદદારો ડીલ રદ કરી રહ્યા છે, જેના કારણે પ્રોપર્ટીના ભાવમાં ૨૦% સુધીનો મોટો ઘટાડો થવાની આશંકા છે. 

 

અગાઉ, રેટિંગ એજન્સી ફિચ એ પણ ચેતવણી આપી હતી કે માર્કેટમાં નવો સપ્લાય વધવાને કારણે અને વણવેચાયેલી પ્રોપર્ટીની વધતી સંખ્યાના લીધે દુબઈના પ્રોપર્ટી માર્કેટમાં ૧૫% જેટલો ઘટાડો થઈ શકે છે.

 એક વિસ્તૃત રિપોર્ટ મુજબ, માર્કેટમાં અંદાજે ૨,૧૦,૦૦૦ નવા ઘરો ઉમેરાઈ શકે છે. જેમાં આ વર્ષે ૫૫,૦૦૦ અને આવતા વર્ષે ૭૫,૦૦૦ નવા યુનિટ્સ માર્કેટમાં આવવાની ધારણા છે. આ ઉપરાંત, ૪,૦૦,૦૦૦ થી વધુ પ્રોપર્ટી હજુ પણ નિર્માણાધીન છે. રોકાણકારોની ગેરહાજરી અને બજારમાં વધારાના સપ્લાયના કારણે આગામી સમયમાં ગલ્ફ દેશોના પ્રોપર્ટી માર્કેટ માટે કપરો સમય આવી શકે છે.

 

(2:11 PM IST)