<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

યુપીએસસી સિવિલ સર્વિસ ૨૦૨૫નું અંતિમ પરિણામ જાહેર : રાજસ્‍થાનના અનુજ અગ્નિહોત્રીએ કર્યું ટોપ, ૯૫૮ ઉમેદવારો પાસ

ટોપ ૧૦ ની યાદીમાં ૩ યુવતીઓનો દબદબો : ૧૮૦ ઉમેદવારોની આઈએએસ માટે પસંદગી

રાજકોટ : યુનિયન પબ્‍લિક સર્વિસ કમિશન (યુપીએસસી) દ્વારા સિવિલ સર્વિસ પરીક્ષા ૨૦૨૫ નું ફાઇનલ પરિણામ જાહેર કરવામાં આવ્‍યું છે. જેમાં રાજસ્‍થાનના કોટાના રહેવાસી અને વ્‍યવસાયે ડોક્‍ટર એવા અનુજ અગ્નિહોત્રીએ સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ મેળવ્‍યો છે. કુલ ૯૫૮ ઉમેદવારો સફળ થયા છે, અને ટોપ ૧૦ ની યાદીમાં ૩ યુવતીઓએ પોતાનું સ્‍થાન નિヘતિ કર્યું છે.

યુનિયન પબ્‍લિક સર્વિસ કમિશન (યુપીએસસી) એ શુક્રવારે સિવિલ સર્વિસ પરીક્ષા ૨૦૨૫ નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે. દેશની સૌથી અઘરી અને પ્રતિષ્ઠિત ગણાતી આ પરીક્ષામાં રાજસ્‍થાનના કોટાના અનુજ અગ્નિહોત્રીએ ઓલ ઇન્‍ડિયા રેન્‍ક ૧ (એઆઈઆર ૧) મેળવીને ટોપ કર્યું છે. બીજા ક્રમે રાજેશ્વરી સુવે એમ. અને ત્રીજા ક્રમે આકાંશ ધુલ રહ્યા છે.

આ વર્ષે કુલ ૧૦૮૭ ખાલી જગ્‍યાઓ માટે પરીક્ષા યોજાઈ હતી, જેમાંથી ૯૫૮ ઉમેદવારોની વિવિધ કેન્‍દ્રીય સેવાઓ માટે પસંદગી કરવામાં આવી છે. આ સફળ ઉમેદવારોમાંથી ૧૮૦ ઉમેદવારોને ઇન્‍ડિયન એડમિનિસ્‍ટ્રેટિવ સર્વિસ (આઈએએસ) માટે ભલામણ કરવામાં આવી છે. અન્‍ય ઉમેદવારોની આઈપીએસ અને આઈએફએસ જેવી સેવાઓ માટે પસંદગી થઈ છે.

અનુજ અગ્નિહોત્રી

સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ મેળવનાર અનુજ અગ્નિહોત્રી વ્‍યવસાયે ડોક્‍ટર છે. તેમણે ૨૦૨૩ માં એઈમ્‍સ જોધપુરથી પોતાનો તબીબી અભ્‍યાસ પૂર્ણ કર્યો હતો. ત્‍યારબાદ તેમણે સિવિલ સર્વિસની તૈયારીઓ પર ધ્‍યાન કેન્‍દ્રિત કર્યું હતું અને આ ભવ્‍ય સફળતા હાંસલ કરી છે.

ટોપ ૧૦ માં ૩

યુવતીઓનો દબદબો

જાહેર થયેલા પરિણામમાં મહિલા ઉમેદવારોનું ઉત્‍કૃષ્ટ પ્રદર્શન જોવા મળ્‍યું છે. ટોચના ૧૦ ઉમેદવારોની યાદીમાં ૩ યુવતીઓએ સ્‍થાન પ્રાપ્ત કર્યું છે. બીજા ક્રમે રહેલી રાજેશ્વરી સુવે મહિલા ઉમેદવારોમાં પ્રથમ સ્‍થાને છે.

યુપીએસસી દ્વારા ઓગસ્‍ટ ૨૦૨૫ માં મુખ્‍ય પરીક્ષા લેવામાં આવી હતી અને ત્‍યારબાદ ડિસેમ્‍બર ૨૦૨૫ થી જાન્‍યુઆરી ૨૦૨૬ દરમિયાન ઇન્‍ટરવ્‍યુ (પર્સનાલિટી ટેસ્‍ટ) યોજાયા હતા. ઉમેદવારો પોતાનું પરિણામ સત્તાવાર વેબસાઇટ પર જઈને જોઈ શકે છે.

 

(3:36 PM IST)