<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

કતારમાં મિસાઈલ હુમલાની દહેશત: ભારતીય દૂતાવાસે જારી કરી કડક એડવાઈઝરી, 'બારીઓથી દૂર રહો અને ઘરની બહાર ન નીકળો'

યુદ્ધની સ્થિતિ વચ્ચે કતારનું હવાઈ ક્ષેત્ર સીલ: ફસાયેલા હજારો ભારતીયો માટે સાઉદી બોર્ડરનો વિકલ્પ ખુલ્લો કરાયો

દોહા: તા.૦૬ પશ્ચિમ એશિયામાં ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે વધતા સૈન્ય સંઘર્ષની સૌથી મોટી અસર હવે કતારમાં જોવા મળી રહી છે. દોહામાં સ્થિત ભારતીય દૂતાવાસે આજે સવારે ૧૧:૦૦ વાગ્યે એક કટોકટીપૂર્ણ સુરક્ષા એડવાઈઝરી જારી કરીને તમામ ભારતીય નાગરિકોને અત્યંત સાવધ રહેવા સૂચના આપી છે. આકાશમાં દેખાઈ રહેલા મિસાઈલ હુમલાના ધુમાડા અને સુરક્ષા જોખમોને જોતા ભારતીયોને ઘરની અંદર જ રહેવા અને ખાસ કરીને કાચની બારીઓ કે ખુલ્લા વિસ્તારોથી દૂર રહેવા જણાવાયું છે.
કતાર સરકારે અનિશ્ચિત સમય સુધી પોતાનું હવાઈ ક્ષેત્ર (Airspace) બંધ કરી દીધું છે, જેના કારણે સેંકડો ફ્લાઈટ્સ રદ થઈ છે અને હજારો પ્રવાસીઓ એરપોર્ટ પર ફસાયા છે. કતાર એરવેઝ દ્વારા આગામી અપડેટ ૭ માર્ચના રોજ આપવામાં આવશે, ત્યાં સુધી તમામ વિમાની સેવાઓ સ્થગિત રહેશે. આ મુશ્કેલ સમયમાં રાહત આપતા, કતાર સરકારે ૨૮ ફેબ્રુઆરી પછી એક્સપાયર થતા તમામ વિઝાની મુદત એક મહિના માટે લંબાવી દીધી છે.
જે ભારતીયો કતાર છોડવા માંગે છે તેમના માટે 'સલવા બોર્ડર' (સાઉદી અરેબિયા સરહદ) એકમાત્ર રસ્તો બચ્યો છે. ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે જેમની પાસે અમેરિકા, યુકે કે શેંગેન વિઝા છે તેઓ સાઉદી અરેબિયા થઈને ભારત પરત ફરી શકે છે. જે લોકો પાસે આ વિઝા નથી, તેમના માટે દૂતાવાસે ખાસ ટ્રાન્ઝિટ વિઝાની નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે. દૂતાવાસે ૨૪ કલાક કાર્યરત હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યા છે જેથી કોઈપણ ઈમરજન્સીમાં ભારતીય સમુદાયને ત્વરિત સહાય મળી રહે.

(4:46 PM IST)