News of Friday, 6th March 2026
મધ્ય પૂર્વના આકાશમાં વિમાનોની ઘરવાપસી: ઇન્ડિગો, એર ઇન્ડિયા અને એમિરેટ્સની ફ્લાઇટ્સ ધીમે ધીમે શરૂ, ફસાયેલા મુસાફરો માટે રાહતના સમાચાર
યુદ્ધના તણાવ વચ્ચે એરસ્પેસ આંશિક રીતે ખૂલતા એરલાઇન્સ એક્શનમાં; જેદ્દાહ અને મસ્કતની સેવાઓ પૂર્વવત, મુસાફરોને એરપોર્ટ જતાં પહેલા સ્ટેટસ ચેક કરવા સૂચના

દુબઈ: તા.૦૬ પશ્ચિમ એશિયામાં સર્જાયેલા ભૌગોલિક રાજકીય તણાવ અને હવાઈ અવરોધોના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ખોરવાયેલું વિમાની શિડ્યુલ હવે ધીમે ધીમે પાટા પર આવી રહ્યું છે. ભારતીય અને ગલ્ફ એરલાઇન્સે સુરક્ષાના કડક મૂલ્યાંકન બાદ મધ્ય પૂર્વના દેશો માટેની તેમની ફ્લાઇટ કામગીરી તબક્કાવાર રીતે પુનઃસ્થાપિત કરવાની જાહેરાત કરી છે. એર ઇન્ડિયાએ જેદ્દાહ અને મસ્કત માટેની સેવાઓ સુરક્ષિત ગણાવીને ફરી શરૂ કરી દીધી છે, જ્યારે ઇન્ડિગો આજે ૬ માર્ચે અલગ-અલગ ૮ સ્થળો માટે ૧૭ ફ્લાઇટ્સ ઓપરેટ કરવા જઈ રહી છે.
ગલ્ફની દિગ્ગજ એરલાઇન્સ એમિરેટ્સ અને એતિહાદે પણ મર્યાદિત સમયપત્રક સાથે ઉડાન ભરવાની તૈયારી દર્શાવી છે. જોકે, એરલાઇન્સે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં માત્ર એવા જ મુસાફરોને પ્રાથમિકતા આપવામાં આવશે જેમનું બુકિંગ અગાઉથી કન્ફર્મ હતું. બીજી તરફ, કતારનું એરસ્પેસ હજુ પણ બંધ હોવાથી દોહા જતી ફ્લાઇટ્સ હાલ પૂરતી સ્થગિત છે, જે અંગે આવતીકાલે સવારે ૦૯:૦૦ વાગ્યે નવો નિર્ણય લેવામાં આવશે. ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે સ્પાઇસજેટ અને એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા ફુજૈરાહ અને રાસ અલ ખૈમાહથી વધારાની સ્પેશિયલ ફ્લાઇટ્સ ચલાવવામાં આવી રહી છે.
એરલાઇન્સ કંપનીઓએ મુસાફરોને ખાસ વિનંતી કરી છે કે જ્યાં સુધી તેમને એરલાઇન તરફથી સીધો સંદેશ કે ઈમેલ ન મળે ત્યાં સુધી એરપોર્ટ પર ન જવું. મુસાફરો ઓનલાઇન પોર્ટલ દ્વારા રિબુકિંગ અથવા રિફંડના વિકલ્પોનો ઉપયોગ કરી શકે છે. બદલાતી સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફ્લાઇટના સમયમાં ગમે ત્યારે ફેરફાર થઈ શકે છે, તેથી સતત સંપર્કમાં રહેવા અને પોતાની કોન્ટેક્ટ ડિટેલ્સ અપડેટ રાખવા સલાહ આપવામાં આવી છે.
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
