News of Friday, 6th March 2026
એર ઇન્ડિયાની એશિયામાં ઊંચી ઉડાન: વિયેતનામ અને જાપાન માટે ડાયરેક્ટ ફ્લાઇટ્સની જાહેરાત, હવે હનોઈ અને ટોક્યો પહોંચવું બનશે આસાન
દિલ્હી અને મુંબઈથી નવા આંતરરાષ્ટ્રીય રૂટ્સ શરૂ; પ્રવાસીઓ અને વેપારીઓ માટે કનેક્ટિવિટી વધારવા ટાટા ગ્રુપની એરલાઇનનો માસ્ટર પ્લાન

નવી દિલ્હી: તા.૦૬ એર ઇન્ડિયા તેના ગ્લોબલ નેટવર્કને મજબૂત બનાવવાના મિશનમાં વધુ એક ડગલું આગળ વધી છે. એરલાઇને બુધવારે જાહેરાત કરી છે કે તે દક્ષિણ-પૂર્વ એશિયા અને દૂર પૂર્વના દેશો સાથે ભારતનું જોડાણ વધારવા માટે બે નવા મહત્વપૂર્ણ રૂટ્સ શરૂ કરવા જઈ રહી છે. આ વિસ્તરણ હેઠળ, વિયેતનામની રાજધાની હનોઈ અને જાપાનના હૃદય સમાન ટોક્યો (હનેડા) માટે નોન-સ્ટોપ ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવશે, જે ભારતીય પ્રવાસીઓ માટે મુસાફરીના નવા દ્વાર ખોલશે.
૧ મે, ૨૦૨૬ થી એર ઇન્ડિયા દિલ્હી-હનોઈ રૂટ પર અઠવાડિયામાં પાંચ ફ્લાઇટ્સ શરૂ કરશે. હો ચી મિન્હ સિટી પછી વિયેતનામમાં આ એરલાઇનનું બીજું ડેસ્ટિનેશન હશે, જેનાથી દર મહિને ૭,૦૦૦ થી વધુ વધારાની બેઠકો ઉપલબ્ધ થશે. બીજી તરફ, મુંબઈના મુસાફરો માટે પણ સારા સમાચાર છે. ૧૫ જૂન, ૨૦૨૬ થી મુંબઈ-ટોક્યો (હનેડા) વચ્ચે અઠવાડિયામાં ચાર વખત બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઈનર વિમાન ઉડાન ભરશે. જાપાન અત્યારે ભારતીય પ્રવાસીઓ માટે સૌથી ઝડપથી વિકસતું ફેવરિટ ડેસ્ટિનેશન બની રહ્યું છે, ત્યારે આ સીધી ફ્લાઇટ સમય અને મહેનત બંને બચાવશે.
એર ઇન્ડિયાના જણાવ્યા મુજબ, જાપાન અને વિયેતનામમાં વધી રહેલા વેપાર, પર્યટન અને બિઝનેસ સંબંધોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને કોર્પોરેટ પ્રવાસીઓ અને MICE (મીટિંગ્સ, ઇન્સેન્ટિવ્સ, કોન્ફરન્સ) સેગમેન્ટમાં વિયેતનામનો ક્રેઝ વધ્યો છે. આ નવી ફ્લાઇટ્સ માટેનું બુકિંગ ટૂંક સમયમાં એર ઇન્ડિયાની વેબસાઇટ અને મોબાઈલ એપ પર શરૂ કરવામાં આવશે. નેટવર્ક વિસ્તરણની આ વ્યૂહરચના એર ઇન્ડિયાને ફરીથી વિશ્વની અગ્રણી એરલાઇન્સની હરોળમાં લાવવા માટેનો એક ભાગ છે.
નવી ફ્લાઇટ્સનું શેડ્યૂલ:
• દિલ્હી થી હનોઈ: ૧ મે ૨૦૨૬ થી (સોમ, બુધ, શુક્ર, શનિ, રવિ)
• મુંબઈ થી ટોક્યો: ૧૫ જૂન ૨૦૨૬ થી (સોમ, બુધ, શુક્ર, રવિ)
(4:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
