News of Friday, 6th March 2026
વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનો વિજયધ્વજ, પણ ચર્ચા માત્ર ‘થાલા’ની: સાત રનથી ઈંગ્લેન્ડને હરાવતા સોશિયલ મીડિયા પર ‘Thala For A Reason’ ના મીમ્સનું પૂર
વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ધોનીની હાજરીએ જાદુ કર્યો? ગુગલ ઈન્ડિયાથી લઈને રાજસ્થાન રોયલ્સ સુધીના તમામ દિગ્ગજો ‘નંબર 7’ ના ક્રેઝમાં રંગાયા

મુંબઈ: તા.૦૬ મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં ગુરુવારે રમાયેલી ICC T20 વર્લ્ડ કપ ૨૦૨૬ની હાઈ-વોલ્ટેજ સેમીફાઈનલમાં ભારતે ઈંગ્લેન્ડને રોમાંચક રીતે હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. જોકે, આ જીત કરતા પણ વધુ ચર્ચા અત્યારે સોશિયલ મીડિયા પર 'સાત' નંબરની થઈ રહી છે. ભારતનો વિજય માત્ર ૭ રનથી થયો અને સ્ટેડિયમમાં ખુદ પૂર્વ કેપ્ટન એમ.એસ. ધોની હાજર હતા, બસ પછી તો શું! ઇન્ટરનેટ પર 'થાલા ફોર અ રીઝન' (Thala For A Reason) ના નારા ગુંજવા લાગ્યા છે.
ક્રિકેટ પ્રેમીઓ માટે ધોનીનો જર્સી નંબર '૭' કોઈ મંત્રથી ઓછો નથી. જેવો જ ભારતનો ૭ રનથી વિજય થયો, નેટીઝન્સે ગણિતના એવા સમીકરણો માંડ્યા કે દરેકનો સરવાળો સાત પર આવીને અટકે. ચાહકોનું માનવું છે કે ધોનીની હાજરી અને જીતનું અંતર સાત હોવું એ કોઈ સંયોગ નથી, પણ 'થાલા'નો પ્રભાવ છે. આ ટ્રેન્ડમાં માત્ર સામાન્ય ફેન્સ જ નહીં, પરંતુ મોટી કંપનીઓ પણ જોડાઈ છે. ગુગલ ઈન્ડિયાએ પણ પોસ્ટ શેર કરતા લખ્યું, "૭ રનથી જીત્યા... એક કારણસર!"
આઈપીએલ ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રોયલ્સે પણ વહેતી ગંગામાં હાથ ધોઈ લીધા છે. તેમણે સ્ટેડિયમમાં બેઠેલા ધોનીનો ફોટો અને સ્કોરકાર્ડ શેર કરીને લખ્યું કે, આ જીત પાછળ પણ એક મોટું કારણ છે. અત્યારે એક્સ (ટ્વિટર) અને ઇન્સ્ટાગ્રામ પર ધોનીના જૂના વિડીયો અને ફોટા સાથેના મીમ્સની એવી લહેર ચાલી છે કે જાણે ભારતે વર્લ્ડ કપ જીતી લીધો હોય તેવો માહોલ સર્જાયો છે. સાચે જ, ધોની ભલે મેદાન પર ન હોય, પણ તેની લોકપ્રિયતા આજે પણ મેચનું પાસું પલટવાની તાકાત ધરાવે છે.
(4:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
