<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

અંડરવર્લ્ડ ડોન ઇકબાલ મિર્ચીના સામ્રાજ્ય પર ED ની સર્જિકલ સ્ટ્રાઈક: મુંબઈ અને દુબઈની ₹700 કરોડની 18 મિલકતો જપ્ત કરવાની તૈયારી

વરલીના આલિશાન મેન્શનથી લઈને દુબઈની લક્ઝરી હોટેલ્સ સુધી ફેલાયેલી કાળી કમાણી પર ત્રાટકી એજન્સી; ભાગેડુ પરિવારની શાન હવે જેરવેર થશે

મુંબઈ: તા.૦૬ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અંડરવર્લ્ડના દિવંગત ગેંગસ્ટર ઇકબાલ મેમણ ઉર્ફે ઇકબાલ મિર્ચી અને તેના પરિવાર વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી તેજ કરી છે. 'ભાગેડુ આર્થિક ગુનેગાર અધિનિયમ' (FEO) હેઠળ એજન્સીએ મિર્ચી પરિવારની ₹700 કરોડથી વધુની કિંમતની 18 મિલકતોને કાયમી ધોરણે જપ્ત કરવા માટે વિશેષ અદાલતનો સંપર્ક કર્યો છે. આ મિલકતોમાં મુંબઈના પોશ ગણાતા વરલી વિસ્તારની 3 અને દુબઈની 15 કિંમતી પ્રોપર્ટીનો સમાવેશ થાય છે.
ઇકબાલ મિર્ચી ભલે જીવતો નથી, પરંતુ તેની પત્ની હજરા મેમણ અને બે પુત્રો આસિફ તથા જુનૈદને કોર્ટે પહેલેથી જ ભાગેડુ જાહેર કરી દીધા છે. EDની તપાસમાં બહાર આવ્યું છે કે મુંબઈના વરલીમાં આવેલી 'સી વ્યૂ', 'મરિયમ લોજ' અને 'રાબિયા મેન્શન' જેવી મિલકતો, જેની કિંમત આશરે ₹497 કરોડ છે, તે ગુનાખોરીના પૈસાથી ખરીદવામાં આવી હતી. એટલું જ નહીં, આ જમીનોના સોદામાં DHFLના વાધવાન બંધુઓએ પણ વિદેશમાં કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે.
બીજી તરફ, મિર્ચી પરિવારનું વિદેશી સામ્રાજ્ય પણ હવે કાયદાના સકંજામાં છે. દુબઈમાં આવેલી ₹203 કરોડની મિલકતોમાં આલીશાન 'મિડવેસ્ટ એપાર્ટમેન્ટ હોટેલ' અને બિઝનેસ બે (Business Bay) જેવા હાઈ-પ્રોફાઈલ વિસ્તારોના અનેક યુનિટ્સનો સમાવેશ થાય છે. EDએ કોર્ટને જણાવ્યું છે કે આ મિલકતોની સાચી માલિકી છુપાવવા માટે જટિલ કોર્પોરેટ માળખાં અને ટ્રસ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગેરકાયદે ભંડોળને ધોળું કરવા માટે આ રીતે વ્યવસ્થિત લોન્ડરિંગ કરવામાં આવ્યું હતું, જેનો હવે પર્દાફાશ થયો છે.

(4:50 PM IST)