News of Friday, 6th March 2026
મહારાષ્ટ્ર બજેટ ૨૦૨૬: ખેડૂતો માટે ખુશીના સમાચાર! મુખ્યમંત્રી ફડણવીસે કરી ₹૨ લાખ સુધીની દેવા માફીની જાહેરાત, ગામડાઓ બનશે હાઈટેક
બજેટ રજૂ કરનારા પ્રથમ મુખ્યમંત્રી બન્યા ફડણવીસ: પ્રાકૃતિક ખેતીથી લઈને મહિલા ખેડૂતો માટે ખાસ ભેટ, કોંક્રીટ રોડથી જોડાશે રાજ્યના તમામ ગામડાઓ

મુંબઈ: તા.૦૬ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આજે વિધાનસભામાં વર્ષ ૨૦૨૬-૨૭ માટે ઐતિહાસિક બજેટ રજૂ કરીને રાજ્યના અર્થતંત્રને નવી દિશા આપી છે. બજેટમાં સૌથી મોટી રાહત ખેડૂતોને આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ 'પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોલ્કર શેતકરી કરજમાફી યોજના' હેઠળ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીની ₹૨ લાખ સુધીની પાક લોન માફ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, જે પ્રામાણિક ખેડૂતોએ નિયમિત લોનના હપ્તા ભર્યા છે, તેમને ₹૫૦,૦૦૦નું વિશેષ પ્રોત્સાહન બોનસ આપવામાં આવશે.
તાજેતરમાં થયેલા ભારે વરસાદ અને પૂરના કારણે પાકને થયેલા નુકસાન સામે આ જાહેરાત ખેડૂતો માટે સંજીવની સમાન સાબિત થશે. ખેતીના આધુનિકીકરણ પર ભાર મૂકતા ફડણવીસે જણાવ્યું કે, રાજ્યમાં ૫ લાખ હેક્ટર જમીન પર 'મહારાષ્ટ્ર કુદરતી ખેતી યોજના' હેઠળ પ્રયોગો હાથ ધરવામાં આવશે. આ સાથે જ પશુપાલનને વેગ આપવા 'મુખ્યમંત્રી ગ્રામીણ પશુધન યોજના' પણ શરૂ કરવામાં આવશે.
વર્ષ ૨૦૨૬ને 'આંતરરાષ્ટ્રીય મહિલા ખેડૂત વર્ષ' તરીકે ઉજવવામાં આવતું હોવાથી, બજેટમાં મહિલા ગૌપાલકો, મરઘા પાલન અને બકરી પાલન સાથે જોડાયેલી મહિલાઓ માટે વિશેષ પ્રોત્સાહન કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા લાવવા માટે 'પ્રધાનમંત્રી આવાસ યોજના' (PMAY) ના મકાનો પર સોલર પેનલ લગાવવા માટે વધારાની સબસિડી આપવામાં આવશે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પણ મોટી જાહેરાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ૧,૦૦૦ થી વધુ વસ્તી ધરાવતા રાજ્યના તમામ ગામડાઓને હવે કોંક્રીટના પાકા રસ્તાઓથી જોડવામાં આવશે. મહારાષ્ટ્રને દેશનું 'નાણાકીય એન્જિન' ગણાવતા તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ૨૦૪૭ સુધીમાં મહારાષ્ટ્ર ૫ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનશે.
(4:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
