<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

બ્રિટિશ રાજકુમારીના ડગલે ગરબાની રમઝટ: લેસ્ટરમાં હોળીની ઉજવણીમાં કેટ મિડલટન બ્રિટિશ-ભારતીય સમુદાય સાથે રંગાઈ, ગરબાનો વિડીયો વાયરલ

વેલ્સની રાજકુમારીએ ‘નમસ્તે’ સાથે કર્યું લંડનમાં મિની ગુજરાતનું સ્વાગત; બિંદી લગાવી અને ખુલ્લા પગે નૃત્ય કરી જીતી લીધા ભારતીયોના દિલ

લંડન: તા.૦૬ બ્રિટિશ રાજવી પરિવારની લોકપ્રિય વહુ અને વેલ્સની રાજકુમારી કેથરિન (કેટ મિડલટન) એ લેસ્ટરમાં વસતા ભારતીય સમુદાય સાથે હોળીના તહેવારની અનોખી રીતે ઉજવણી કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા છે. ૫ માર્ચના રોજ આયોજિત આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજકુમારીએ માત્ર હાજરી જ ન આપી, પરંતુ શુદ્ધ ગુજરાતી શૈલીમાં ગરબા રમીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. લયબદ્ધ રીતે તાળીઓ પાડતી અને વર્તુળમાં ઘૂમતી રાજકુમારીનો વિડીયો અત્યારે ઇન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
રાજકુમારીની આ મુલાકાતની શરૂઆત લેસ્ટરના જાણીતા 'શ્રીજી ધામ હવેલી' મંદિરથી થઈ હતી. અહીં તેમનું સ્વાગત પરંપરાગત ભારતીય પદ્ધતિ મુજબ 'નમસ્તે' અને ફૂલોની માળા પહેરાવીને કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિ પ્રત્યે આદર દર્શાવતા કેટ મિડલટને કપાળ પર નાની બિંદી પણ લગાવી હતી. જ્યારે મંદિરના પ્રાંગણમાં મહિલાઓનું જૂથ ગરબા રમી રહ્યું હતું, ત્યારે રાજકુમારી પોતાની જાતને રોકી શકી નહીં અને તેમની સાથે જોડાઈ ગઈ. કોઈ પણ પ્રકારના સંકોચ વગર ગરબાના સ્ટેપ્સ શીખતી અને સંગીતના તાલે ઝૂમતી રાજકુમારીને જોઈ ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા હતા.
મંદિરની મુલાકાત બાદ, કેટ પ્રખ્યાત કોરિયોગ્રાફર આકાશ ઓડેદ્રાના ડાન્સ સ્ટુડિયો પહોંચી હતી. ત્યાં તેમણે કલાકારો સાથે ખુલ્લા પગે ટૂંકા નૃત્ય સત્રમાં ભાગ લીધો હતો. જ્યારે તેમને લાલ ગુલાબ અર્પણ કરવામાં આવ્યું, ત્યારે તેમણે હસીને કહ્યું હતું કે, "મારા બાળકોને આ જોઈને ખૂબ આનંદ થશે, તેમને ડાન્સ ખૂબ ગમે છે." સોશિયલ મીડિયા પર આ ક્ષણોને જોઈને ભારતીય સમુદાય ખૂબ ખુશ છે અને લોકો કેટ મિડલટનની સાદગી અને વિવિધ સંસ્કૃતિઓને સ્વીકારવાની તેમની આ રીતની પ્રશંસા કરી રહ્યા છે.

(4:53 PM IST)