News of Friday, 6th March 2026
બિહારના રાજકારણમાં જબરો વળાંક: નીતીશ કુમારના ‘રાજ્યસભા’ જવાના નિર્ણયથી જેડીયુમાં ભડકો, ગુસ્સે ભરાયેલા કાર્યકરોએ પીએમ મોદીના પોસ્ટર પર શાહી ફેંકી
પટણાના રસ્તાઓ પર હંગામો: મુખ્યમંત્રી આવાસની સુરક્ષા વધારાઈ; જેડીયુ ધારાસભ્યોએ પૂછ્યું- “ત્રણ મહિનામાં એવું તે શું થયું કે મેદાન છોડવું પડ્યું?”

પટણા: તા.૦૬ બિહારના રાજકારણમાં ફરી એકવાર મોટું તોફાન આવ્યું છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે રાજ્યસભા માટે ઉમેદવારી પત્ર ભરતા જ તેમની પોતાની પાર્ટી જનતા દળ (યુનાઇટેડ) માં આંતરિક બળવો ફાટી નીકળ્યો છે. શુક્રવારે પટણાના રસ્તાઓ પર હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો, જ્યાં જેડીયુના કાર્યકરોએ નીતીશ કુમારના આ નિર્ણયને 'ષડયંત્ર' ગણાવીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન કેટલાક લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર પર કાળો રંગ લગાવી દેતા ભાજપ અને જેડીયુ વચ્ચેના સંબંધોમાં પણ તણાવ વધવાની શક્યતા દેખાઈ રહી છે.
જેડીયુ પાર્ટી કાર્યાલયની બહાર મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા હતા અને નીતીશ કુમારને પોતાનો નિર્ણય પાછો ખેંચવા વિનંતી કરતા હજારો પોસ્ટકાર્ડ લખ્યા હતા. પટણામાં ઠેર-ઠેર લાગેલા પોસ્ટરોમાં નીતીશ કુમારને બિહાર ન છોડવા વિનંતી કરવામાં આવી છે. જોકે, જેડીયુના પ્રદેશ પ્રમુખ ઉમેશ કુશવાહાએ પીએમ મોદીના પોસ્ટર પર કાળો રંગ લગાવનાર લોકોને પાર્ટીના સભ્યો માનવાનો ઇનકાર કર્યો છે, પરંતુ પાયાના કાર્યકરોમાં વ્યાપેલો રોષ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
આ રાજકીય ગરમાવા વચ્ચે મુખ્યમંત્રીના નિવાસસ્થાન (૧, એણે માર્ગ) ની આસપાસ કિલ્લેબંધી કરી દેવામાં આવી છે. જેડીયુના ધારાસભ્ય વિનય ચૌધરીએ પણ ખુલ્લેઆમ સવાલ ઉઠાવ્યો છે કે, “છેલ્લા ત્રણ મહિનામાં એવું શું બદલાઈ ગયું કે મુખ્યમંત્રીએ રાજ્યસભામાં જવાનો આટલો મોટો નિર્ણય લેવો પડ્યો?” આજે સાંજે નીતીશ કુમારે પાર્ટીના સાંસદો અને ધારાસભ્યોની તાકીદની બેઠક બોલાવી છે, જેમાં આગામી સરકારની રચના અને મુખ્યમંત્રી પદના ઉત્તરાધિકારી અંગે ચર્ચા થવાની પ્રબળ શક્યતા છે.
(4:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
