<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

હોળીનો ફુગ્ગો જીવલેણ બન્યો: દિલ્હીમાં પાણી ઉડવા જેવી સામાન્ય બાબતે પડોશીઓએ યુવાનને પથ્થરો અને લાકડીઓથી મારી નાખ્યો

ઉત્તમ નગરમાં તણાવ: માસૂમ બાળકીએ ફેંકેલા ફુગ્ગાના છાંટા મુસ્લિમ મહિલા પર પડતા સર્જાયો વિવાદ; ૨૬ વર્ષીય તરુણની નિર્મમ હત્યા બાદ પોલીસ છાવણીમાં ફેરવાયો વિસ્તાર

 
નવી દિલ્હી: તા.૦૬ દેશભરમાં જ્યારે હોળીના તહેવારની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે પશ્ચિમ દિલ્હીના ઉત્તમ નગર વિસ્તારમાંથી માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. માત્ર પાણીનો ફુગ્ગો ફેંકવા જેવી સામાન્ય વાતમાં થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ૨૬ વર્ષીય તરુણ બટોલિયા નામના યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી છે. પડોશીઓના એક જૂથે તરુણ પર લાકડીઓ અને પથ્થરો વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આ લોહિયાળ ખેલની શરૂઆત ત્યારે થઈ જ્યારે તરુણના પરિવારની એક નાની બાળકી ઘરની બહાર રમી રહી હતી. રમતા-રમતા તેણે ભૂલથી પાણીનો ફુગ્ગો ફેંક્યો, જેના છાંટા ત્યાંથી પસાર થતી એક મુસ્લિમ મહિલા પર પડ્યા. આ બાબતે બંને પરિવારો વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે, દિવસ દરમિયાન મામલો શાંત જણાતો હતો, પરંતુ સાંજ પડતા જ પડોશીઓએ બદલો લેવાના ઈરાદે તરુણને ઘેરી લીધો હતો. જ્યારે તરુણ હોળી રમીને ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે ટોળાએ તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. તરુણના પિતા મેમરાજે આક્ષેપ કર્યો છે કે, "તેઓ તેને લાકડીઓથી ફટકારતા રહ્યા અને તે જમીન પર પડ્યો હોવા છતાં પથ્થરોથી તેના પર પ્રહાર કર્યા."
તરુણને ગંભીર હાલતમાં જનકપુરીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનામાં અન્ય બે લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે. આ હત્યાના સમાચાર વાયુવેગે ફેલાતા જ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકોએ ઉત્તમ નગર પોલીસ સ્ટેશન બહાર એકઠા થઈને ન્યાયની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થિતિ એટલી તણાવપૂર્ણ બની હતી કે ગુસ્સે ભરાયેલા ટોળાએ આરોપીઓના ઘર પાસે પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી હતી.
વધારાના ડીસીપી નિહારિકા ભટ્ટે જણાવ્યું હતું કે, હોળીના ફુગ્ગાના વિવાદમાં એક યુવાનનું મોત નીપજ્યું છે અને પોલીસે FIRમાં નામ આપવામાં આવેલા શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી લીધી છે. હાલ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.

(4:53 PM IST)