<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

AIની દુનિયામાં ભૂકંપ: પ્રખ્યાત કંપની એન્થ્રોપિકને અમેરિકાએ ‘ખતરનાક’ જાહેર કરી, વિવાદ વધતા સીઈઓ ડારિયો અમોડેઈએ ટ્રમ્પની માફી માંગી

‘સપ્લાય ચેઇન રિસ્ક’ના લિસ્ટમાં મુકાતા કંપની હવે કોર્ટના દ્વાર ખખડાવશે; ઇન્ફોસિસ જેવી ભારતીય કંપનીઓ સાથેની ભાગીદારી પર શું થશે અસર?

નવી દિલ્હી: તા.૦૬ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં અત્યારે ભારે હલચલ મચી છે. અમેરિકાની દિગ્ગજ AI કંપની 'એન્થ્રોપિક' (Anthropic), જે પોતાના 'ક્લોડ' (Claude) મોડેલ માટે જાણીતી છે, તેને અમેરિકન સરકાર દ્વારા સત્તાવાર રીતે "સપ્લાય ચેઇન રિસ્ક" (SCR) એટલે કે પુરવઠા શૃંખલા માટે જોખમી જાહેર કરવામાં આવી છે. આ જાહેરાત બાદ કંપનીના સીઈઓ ડારિયો અમોડેઈએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ જાહેરમાં માફી માંગવી પડી છે.
વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એન્થ્રોપિકને તમામ ફેડરલ સિસ્ટમોમાંથી હટાવવાની જાહેરાત કરી હતી. તેના જવાબમાં અમોડેઈએ એક આંતરિક મેમોમાં ટ્રમ્પની આકરી ટીકા કરી હતી, જે લીક થઈ ગઈ હતી. હવે પરિસ્થિતિ ગંભીર બનતા અમોડેઈએ સ્પષ્ટતા કરી છે કે તે ટીકા કંપનીના સત્તાવાર વિચારો નથી અને તે દિવસે કંપની મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી હોવાથી લાગણીવશ થઈને તેમણે આ લખ્યું હતું. જોકે, એન્થ્રોપિકે સરકારના આ નિર્ણયને ગેરકાયદે ગણાવીને કોર્ટમાં પડકારવાની તૈયારી કરી લીધી છે.
કંપનીએ તેના ગ્રાહકોને આશ્વાસન આપતા જણાવ્યું છે કે આ પ્રતિબંધ ફક્ત સંરક્ષણ અને યુદ્ધ વિભાગના કરારો પર જ લાગુ થશે. સામાન્ય ગ્રાહકો અને વાણિજ્યિક ઉપયોગ કરનારાઓ માટે Claude.ai અથવા API સેવાઓ અપ્રભાવિત રહેશે. ઉલ્લેખનીય છે કે, ભારતની આઈટી ક્ષેત્રની જાયન્ટ કંપની ઇન્ફોસિસે (Infosys) તાજેતરમાં જ એન્થ્રોપિક સાથે મોટી ભાગીદારી કરી છે. હવે અમેરિકાના આ કડક વલણ બાદ ટેલિકોમ અને ફાયનાન્સિયલ સેક્ટરમાં ડેવલપ થઈ રહેલા AI સોલ્યુશન્સ પર કેવી અસર પડશે, તેના પર આખા વિશ્વની નજર છે.

(4:54 PM IST)