<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

ઇગતપુરીની હોસ્ટેલમાં હેવાનીયતની હદ વટાવી: સાતમા ધોરણના વિદ્યાર્થીઓએ જુનિયર્સને નશીલી દવા આપી આચર્યું જાતીય શોષણ, બેદરકાર સુપરિન્ટેન્ડેન્ટ સામે પણ ગુનો

૭ મહિના સુધી ચાલ્યો અત્યાચારનો સિલસિલો: ભયના કારણે મૌન રહ્યા માસૂમ બાળકો; ફરિયાદ છતાં એક્શન ન લેનાર વોર્ડન વિરુદ્ધ પોક્સો (POCSO) હેઠળ કાર્યવાહી

નાસિક: તા.૦૬ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ઇગતપુરીમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત સરકારી છાત્રાલયમાં માનવતાને લજવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં સાતમા ધોરણમાં અભ્યાસ કરતા સાત વિદ્યાર્થીઓ પર તેમના જ જુનિયર (ધોરણ ૫ થી ૭) ના વિદ્યાર્થીઓનું જાતીય શોષણ કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ ઘટનામાં સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે હોસ્ટેલના સુપરિન્ટેન્ડેન્ટને આ અંગે જાણ હોવા છતાં તેમણે મૌન સેવ્યું હતું, જેને પગલે હવે તેમની સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મળતી વિગતો મુજબ, આરોપી વિદ્યાર્થીઓ તેમના જુનિયર્સને શામક એટલે કે નશીલી દવાઓ આપીને બેભાન કરતા હતા અને ત્યારબાદ તેમની સાથે અકુદરતી કૃત્યો આચરતા હતા. આ સિલસિલો છેલ્લા સાત મહિનાથી ચાલતો હતો, પરંતુ આરોપીઓના ડર અને ધમકીના કારણે માસૂમ પીડિતો મોઢું ખોલી શક્યા ન હતા. જ્યારે કેટલાક બાળકોએ હિંમત ભેગી કરીને હોસ્ટેલના અધિક્ષક સુશાંત દૂધસાગરેને આ નરક જેવી સ્થિતિ વિશે જણાવ્યું, ત્યારે તેમણે કોઈ પણ પગલાં લેવાને બદલે તેને નજરઅંદાજ કર્યું હતું.

 

જિલ્લા કલેક્ટર આયુષ પ્રસાદે આ મામલે કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે, સાત વિદ્યાર્થીઓ અને હોસ્ટેલ સુપરિન્ટેન્ડેન્ટ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જિલ્લા પરિષદની સમાજ કલ્યાણ ટીમ દ્વારા તપાસ બાદ અહેવાલ સોંપવામાં આવ્યો હતો, જેના આધારે ઇગતપુરી પોલીસે પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે. હાલમાં તમામ સાત આરોપી વિદ્યાર્થીઓને રિમાન્ડ હોમમાં મોકલી દેવામાં આવ્યા છે, જ્યારે બાળ કલ્યાણ સમિતિ દ્વારા આ મામલાની ઊંડી તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ સરકારી છાત્રાલયોમાં બાળકોની સુરક્ષા સામે મોટા સવાલો ઉભા કર્યા છે.

(5:14 PM IST)